અમદાવાદના થલતેજ અંડરપાસમાં કાર અકસ્માત સર્જાતા ઝાયડસ ચાર રસ્તાથી પકવાન તરફ આવતા રસ્તા પર ટ્રાફિકજામ સર્જાયો છે.
અમદાવાદ શહેરમાં અકસ્માતો થવાનો સિલસિલો બંધ થવાનું નામ જ ન લેતો હોય તેવું લાગી રહ્યું છે. ગઈકાલે રાત્રે માણેકબાગ પાસે BMW કાચના ચાલકે અકસ્માત સર્જ્યા બાદ હવે થલતેજ અંડરપાસમાં કાર અકસ્માત સર્જાયો છે. શહેરના વાહનોથી ધમધમતા રસ્તા એસ.જી હાઈવે પર સ્વીફ્ટ કારનો અકસ્માત સર્જાયો છે. અકસ્માતને પગલે સ્વીફ્ટ કારનો આગળનો ભાગ ભાંગીને ભૂક્કો થઈ ગયો છે. થલતેજ અંડરપાસની અંદર સ્વીફ્ટ કારનો અકસ્માત સર્જાતા ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ છે.
એસ.જી હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે. ઝાયડસ ચાર રસ્તાથી પકવાન તરફ આવતા રસ્તા પર ટ્રાફિકજામ સર્જાઈ છે. હાલ ટ્રાફિક પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી છે અને કારને હટાવીને ટ્રાફિક ક્લિયર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
ગઈકાલે રાત્રે માણેકબાગ પાસે સર્જાયેલા અકસ્માતને લઈને કાર ચાલક કમલેશ બિશ્નોઈ વિરુદ્ધ વધુ એક ગુનો નોંધાયો છે. પોલીસે કમલેશ બિશ્નોઈ વિરુદ્ધ ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધ્યો છે. આરોપી વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. ઓવર સ્પિડ કાર અને બેરિકેડને નુકસાન પહોચાડવાનો પણ ગુનો નોંધાયો છે.
શહેરના માણેકબાગ નજીક ગઈકાલે રાત્રે નશામાં ધૂત નબીરાએ BMW કારથી અકસ્માત સર્જીને સરકારી મિલકતને નુકશાન પહોંચાડ્યું હતું. જોકે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નહોતી. ગત રાત્રે ૦૧:૦૦ વાગ્યાની આસપાસ BMW કારના ચાલકે કારને માણેકબાગ નજીક અથડાવી હતી. ચાલકે ગઈકાલે રાત્રે GJ ૦૧ KA ૬૫૬૬ નંબરની કાર આડેધડ ચલાવીને ફૂટપાથ સાથે અથડાવી હતી. અકસ્માત સર્જીને કાર ચાલકે કાર જજીસ બંગલાથી લઈને માણેકબાગ સુધી બેફામ દોડાવી હતી.
સેટેલાઈટ પોલીસે ફિલ્મોની જેમ તેનો પીછો કરી માણેકબાગથી ઝડપી પાડ્યો હતો. પોલીસે તપાસ કરતા ચાલક કમલેશ બિશ્નોઈ દારૂ પીધેલો હોવાનું સામે આવ્યું હતું. જે બાદ BMW કારના ચાલકની સેટેલાઇટ પોલીસે ધરપકડ કરી હતી.