લોકસભામાં જન વિશ્વાસ બિલ અને રાજ્યસભામાં સિનેમેટોગ્રાફ બિલ પાસ થયું

સિનેમેટોગ્રાફ (મૂવીઝ) એમેન્ડમેન્ટ બિલનો હેતુ તમામ પ્લેટફોર્મ પર ફિલ્મો અને કન્ટેન્ટના વર્ગીકરણમાં એકરૂપતા લાવવાનો

હાલ સંસદનું ચોમાસું સત્ર ચાલી રહ્યું છે, જેમાં વિવિધ બિલ પસાર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.  ગુરુવારે લોકસભામાં જન વિશ્વાસ (સુધારા) બિલ ૨૦૨૩ પાસ થયું છે. આ બિલ નાના ગુનાઓ માટે સજાને નાબૂદ કરવા અથવા ઘટાડવા સાથે સંબંધિત છે. બિલ દ્વારા ૪૨ કાયદાઓની ૧૮૩ જોગવાઈઓમાં ફેરફાર કરવામાં આવશે.

બિલની રજૂઆત અને ચર્ચાનો જવાબ આપતાં, કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, કેટલીક જોગવાઈઓને અપરાધીકરણથી વેપાર કરવાનું સરળ બનશે. બિલ પર ચર્ચા દરમિયાન વિપક્ષે હંગામો ચાલુ રાખ્યો હતો. જન વિશ્વાસ બિલ ગત વર્ષે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. બાદમાં, તેને જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી (GPC)ને રિફર કરવામાં આવ્યું હતું. આ બિલ દ્વારા સંસદીય સમિતિએ ૧૯ મંત્રાલયો સંબંધિત લગભગ ૪૨ કાયદાઓની ૧૮૩ જોગવાઈઓમાં સુધારાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેમાં નાણા મંત્રાલય, માર્ગ પરિવહન, કૃષિ, માહિતી અને ટેકનોલોજી અને અન્ય ઘણા મંત્રાલયોનો સમાવેશ થાય છે. આ મંત્રાલયો હેઠળ આવતા ઘણા ગુનાઓને તેની શ્રેણીમાંથી દૂર કરવામાં આવશે અને દંડ સુધી મર્યાદિત કરવામાં આવશે. તેનાથી કોર્ટની ઝંઝટમાંથી મુક્તિ મળશે. જોકે દંડની રકમમાં પણ વધારો થયો છે.

ગુરુવારે રાજ્યસભાએ સિનેમેટોગ્રાફ (સુધારા) બિલ ૨૦૨૩ પસાર કર્યું હતું. સિનેમેટોગ્રાફ (મૂવીઝ) એમેન્ડમેન્ટ બિલ જેનો હેતુ તમામ પ્લેટફોર્મ પર ફિલ્મો અને કન્ટેન્ટના વર્ગીકરણમાં એકરૂપતા લાવવાનો, ફિલ્મ પાઇરેસીને રોકવા અને સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) દ્વારા આપવામાં આવેલ વય-આધારિત પ્રમાણપત્રમાં સુધારો કરવાનો છે. ગુરુવારે, માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે સિનેમેટોગ્રાફ (સુધારા) બિલ, ૨૦૨૩ ગૃહના ફ્લોર પર વિચારણા અને પસાર કરવા માટે રજૂ કર્યું.  ગૃહમાં આ બિલ પર ચર્ચા બાદ નિવેદન આપતા અનુરાગ ઠાકુરે કહ્યું કે આ બિલ પાસ થવું ખૂબ જ જરૂરી છે. તે અધિકારોનું રક્ષણ કરવા અને ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ લોકોના હિતોનું રક્ષણ કરવા માટેનું બિલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *