જાપાનના વિદેશ મંત્રી હયાશી યોશિમાશા હાલ ભારતના પ્રવાસે છે. નવી દિલ્હી ખાતે ૧૫ મા ભારત અને જાપાન વિદેશ મંત્રી રણનીતિક સંવાદનું ગુરુવારે સાંજે આયોજન થયું. તેમાં ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર અને જાપાનના વિદેશમંત્રી હયાશી યોશિમાશાએ ભારત-જાપાન વિશેષ રણનીતિક અને વૈશ્વિક ભાગીદારીમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી. બંને પક્ષો વચ્ચે દ્વિપક્ષીય, ક્ષેત્રીય અને વેશ્વિક મહત્ત્વના મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા થઈ. ચર્ચામાં સહિયારા મૂલ્યો અને સિદ્ધાંતોના આધારે ભાગીદારીને વધુ મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૨૨ થી ૨૦૨૭ ના સમયગાળા માટે ભારતમાં ૫ ટ્રિલિયન યેનના જાપાનીઝ રોકાણના લક્ષ્યના મહત્વ પર ભાર મુકવામાં આવ્યો. સેમિકન્ડક્ટર્સ, અનુકૂલનશીલ સપ્લાય ચેઇન્સ અને ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિત ઉભરતી ટેક્નોલોજીમાં સહકારના સંભવિત ક્ષેત્રોની પણ સમીક્ષા કરવામાં આવી હતી અને સંરક્ષણ સાધનો અને ટેક્નોલોજી સહયોગને વધુ વધારવા પર ચર્ચા કરવામાં આવી હતી.
વર્ષ ૨૦૨૩ ને ભારત-જાપાન પ્રવાસન વિનિમય વર્ષ તરીકે મનાવવામાં આવશે તેની નોંધ લેતા બંને વિદેશ મંત્રીઓએ જન સંપર્કો વધારવા પર ભાર મૂક્યો હતો. ભારતથી જાપાન સુધી કુશળ માનવ સંસાધનોને પ્રોત્સાહિત કરવાના પગલાં અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.