ઈસરો આજે રાતે ૧૨:૦૦ થી ૦૧:૦૦ ની વચ્ચે ચંદ્રયાન-૩ ને વેગ આપીને તેને ચંદ્રના માર્ગ પર મૂકી દેશે જે પછી તે સડસડાટ ચંદ્રની ભ્રમણકક્ષા તરફ ઉડી જશે.
આજે મધ્યરાત્રિએ જ્યારે આપણે ગાઢ નિંદ્રામાં હોઈશું ત્યારે આપણું ચંદ્રયાન-૩ પૃથ્વીની ભ્રમણકક્ષા છોડીને ચંદ્ર તરફ આગળ વધશે. ૧ ઓગસ્ટના રાતના ૧૨:૦૦ થી ૦૧:૦૦ ની વચ્ચે ISRO ચંદ્રયાન-3ને આગળની યાત્રા પર આગળ મોકલશે. ચંદ્રયાન-૩ ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચવામાં માત્ર ૬ દિવસ દૂર છે. આજે મધ્યરાત્રિએ પૂર્ણ થનારી કાર્યવાહીમાં ૨૮ થી ૩૧ મિનિટનો સમય લાગશે. સ્પેસક્રાફ્ટમાં ફીટ કરાયેલા થ્રસ્ટર્સ યોગ્ય સમય અને અંતરનું નિરીક્ષણ કર્યા બાદ ફાયર કરવામાં આવશે. હાલમાં ચંદ્રયાન-૩ લંબગોળ ભ્રમણકક્ષામાં પૃથ્વીની પરિક્રમા કરી રહ્યું છે અને તેની ઝડપ એક કિમી પ્રતિ સેકન્ડથી ૧૦.૩ કિમી પ્રતિ સેકન્ડની વચ્ચે છે. આગળ વધવા માટે, અવકાશયાનને વધુ વેગની જરૂર પડશે.
ચંદ્રયાન-૩ ભ્રમણ કરતી વખતે કોઈપણ ઉપગ્રહ અથવા વાહનની બે મહત્વપૂર્ણ સ્થિતિઓ હોય છે. આવો એક બિંદુ (Perigee) જ્યારે યાન પૃથ્વીની ખૂબ નજીક હોય અને બીજો બિંદુ (Apogee) જ્યારે તે પૃથ્વીથી સૌથી દૂર હોય. વેગ પેરીજી (૧૦.૩ કિમી/સે) પર સૌથી વધુ અને એપોજી પર સૌથી ઓછો છે. નવા માર્ગ પર જવા માટે વેગની સૌથી વધુ જરૂર પડશે. ચંદ્ર તરફ જવા માટે તેનો કોણ પણ બદલવો પડશે. યાનનો નો માર્ગ બદલવાની પ્રક્રિયા થ્રસ્ટર્સને ફાયર કરીને કરવામાં આવશે અને આ રીતે ચંદ્રયાનની ગતિ પકડીને સીધું ચંદ્ર તરફ સડસડાટ ઉપડશે. બાદમાં, ચંદ્રયાન-૩ નો વેગ પેરીગી પર ૦.૫ કિમી પ્રતિ સેકન્ડના દરે વધવાની ધારણા છે. સરેરાશ, યાનને ૧.૨ લાખ કિમીનું અંતર કાપવામાં ૫૧ કલાકનો સમય લાગશે. જો કે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું સરેરાશ અંતર ૩.૮ લાખ કિમી છે, પરંતુ ચોક્કસ દિવસે પૃથ્વી અને ચંદ્રની સ્થિતિના આધારે વાસ્તવિક અંતર બદલાઈ શકે છે.
આજે રાતે ચંદ્રના માર્ગમાં ગોઠવાયા બાદ ચંદ્રયાન એકધારુ છ દિવસ ગતિ કરીને ૬ ઓગસ્ટે ચંદ્રની ભ્રમણકક્ષામાં ગોઠવી જશે અને ત્યાંથી ફરતુ ફરતું ૨૩ ઓગસ્ટે ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર લેન્ડ કરશે.