રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાએ ૨,૦૦૦ ની નોટને લઈને એક મોટું અપડેટ આપ્યું છે.
મહિનાની પહેલી જ તારીખે બે હજાર રૂપિયાની નોટને લઈને એક મોટા સમાચાર આવ્યા છે. ભારતીય રિઝર્વ બેંક એટલે કે RBIએ એક મોટું અપડેટ આપ્યું છે. રિઝર્વ બેંકે અગાઉ ૨,૦૦૦ રૂપિયાની નોટને ચલણમાંથી પાછી ખેંચવાનો નિર્ણય લીધો હતો. આજે તેની સ્થિતિ RBI દ્વારા જણાવવામાં આવી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ( RBI ) એ મંગળવારે કહ્યું કે ૩૧ જુલાઈ સુધી ૨,૦૦૦ રૂપિયાની ચલણી નોટોમાંથી લગભગ ૮૮ % બેંકોને પરત કરવામાં આવી છે. એક નિવેદનમાં, રિઝર્વ બેંકે કહ્યું કે બેંકો પાસેથી મળેલી માહિતી સૂચવે છે કે ૩૧ જુલાઈ સુધી ૩.૧૪ લાખ કરોડ રૂપિયાના મૂલ્યની ૨,૦૦૦ રૂપિયાની નોટો ચલણમાંથી પાછી ખેંચી લેવામાં આવી છે.
RBIએ ૧૯ મેના રોજ ૨,૦૦૦ રૂપિયાની નોટો ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. આ માટે ગ્રાહકોને ૩૦ સપ્ટેમ્બર સુધી આ નોટો બેંકોમાં જમા કરાવવા અથવા બદલવાની સુવિધા આપવામાં આવી છે. આ ક્રમમાં ૩૧ જુલાઈ સુધી ૩.૧૪ લાખ કરોડ રૂપિયાની ૨,૦૦૦ રૂપિયાની નોટો બેંકોમાં પાછી આવી છે. હવે ૪૨,૦૦૦ કરોડ રૂપિયાની માત્ર ૨,૦૦૦ રૂપિયાની નોટો જ ચલણમાં છે. જ્યારે આરબીઆઈએ આ નોટોને ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી ત્યારે ૩.૫૬ લાખ કરોડ રૂપિયાની નોટો ચલણમાં હતી.
RBIએ લોકોને વિનંતી કરી છે કે તેઓ સપ્ટેમ્બર સુધીમાં બેંકોમાં જઈને તેમની પાસે રહેલી રૂ. ૨,૦૦૦ ની નોટો જમા કરાવે જેથી કરીને પાછળથી તેમને કોઈ તકલીફ ન પડે.