સીએમ ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં એક જ દિવસમાં ૧૪૦૧ કરોડ રૂપિયાના રોકાણો સાથે રાજ્યમાં વધુ ૪ MoU થયાં. ૨,૦૦૦ થી વધુ રોજગારીની મોટી તકો સર્જાઈ.
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ ના પૂર્વાર્ધરૂપે રાજ્યમાં માત્ર ૨૪ કલાકમાં જ સીએમ ભૂપેન્દ્ર પટેલ,ઉદ્યોગમંત્રીની ઉપસ્થિતિમાં કેમિકલ સેક્ટરમાં ૧,૪૦૧ કરોડ રૂપિયાનાં રોકાણો સાથે વધુ ૪ નવાં MoU થયાં છે. આ રોકાણને લીધે રાજ્યમાં ૨ હજારથી વધુ અપેક્ષિત રોજગારીની તકો ઊભી થશે. કેમિકલ ક્ષેત્રની પ્રતિષ્ઠિત કંપનીઓ દહેજ અને સાયખા GIDC માં રોકાણો કરશે. ગુજરાત સરકારે વાયબ્રન્ટ સમિટ પૂર્વે પ્રતિ સપ્તાહ MoUના ઉપક્રમની બે કડીમાં કુલ રૂ. ૨૭૬૧ કરોડના ૧૦ MoU સંપન્ન થયા છે. આ ઉદ્યોગો શરૂ થવાથી કુલ પાંચ હજારથી વધુ સંભવિત રોજગાર અવસરો આવનારા દિવસોમાં મળતા થશે.
કેમિકલ સેક્ટરમાં ૧,૪૦૧ કરોડ રૂપિયાનાં રોકાણ સાથે રાજ્યમાં ફરી કુલ નવાં ૪ MoU નોંધાયા છે. ટેક્ષટાઈલ સેક્ટરમાં – ૧૮૦૦, એન્જિનિયરીંગ સેક્ટરમાં – ૭૦૦, ફાર્માસ્યુટીકલ સેક્ટરમાં-૫૦૦ અને કેમિકલ સેક્ટરમાં – ૨૨૮૫ સંભવિત રોજગાર અવસરોનું સર્જન થશે.
(૧) MoU અનુસાર સાયખા અને દહેજ GIDC ૨૦૨૪-૨૫-૨૬ સુધીમાં આ ઉદ્યોગો શરૂ કરવા માટે જે ચાર MoU થયા છે તેમાં ગુજરાત ફ્લોરો કેમિકલ્સ દ્વારા દહેજ-૨માં રૂ.૫૦ કરોડના રોકાણ સાથે જે એકમ સ્થપાશે તે ઈલેક્ટ્રિક વાહનોની બેટરી કેમિકલ્સ તરીકે ઉપયોગમાં લેવાતા લિથિયમ હેક્ષાફ્લોરો ફોસ્ફેટનું ઉત્પાદન કરશે.
(૨) આ ઉપરાંત સવિતા ગ્રીન ટેક લિમીટેડ સાયખા GIDCમાં રૂ. ૪૯૩ કરોડના રોકાણ સાથે પ્લાસ્ટિક બોટલ્સ રિસાયક્લીંગ પ્રોજેક્ટ શરૂ કરશે.
(૩) હારક્રોસ કેમિકલ્સ પ્રાઈવેટ લિમીટેડ રૂ. ૩૦૦ કરોડના રોકાણો સાથે દહેજ-૧માં સ્પેશિયાલીટી કેમિકલ્સ પ્લાન્ટ શરુ કરશે.
(૪) આશુ ઓર્ગેનિક ઈન્ડીયા પ્રા. લિમીટેડ દહેજ-૩માં રૂ.૧૦૮ કરોડના રોકાણ સાથે ડાઈસ એન્ડ પિગ્મેન્ટ ઈન્ટરમિડીયેટ્સ ઉત્પાદન પ્લાન્ટ શરૂ કરવાના છે.