દૂધ સંગ્રહ અને જાળવણી માટે રૂ. ૨૧.૬૨ કરોડના ખર્ચે દૂધઘર બનાવવામાં આવ્યા

શ્વેતક્રાંતિ માટે વિશ્વ વિખ્યાત ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ૫ વર્ષમાં રૂ. ૨૧.૬૨ કરોડના ખર્ચે ૫૦૦ દુધઘર બનાવવામાં આવ્યા છે. પશુપાલન નિયામકની કચેરીમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાતમાં છેલ્લાં ૫ વર્ષ દરમિયાન ગામડાની ડેરીઓમાં ખાણ, ખાતર અને અન્ય વસ્તુઓના સંગ્રહ માટે રૂ. ૧૪.૨૫ કરોડના ખર્ચે ૩૨૮ થી વધુ ગોડાઉનનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે.

ગ્રામ્ય વિસ્તારોની ડેરીમાંથી ભરાતા દૂધની જાળવણી અને સંગ્રહ માટે વર્ષ ૨૦૧૮ માં ૯૮ અને ૨૦૧૯ માં ૯૫ બલ્ક મિલ્ક કુલર લગાવવામાં આવ્યા હતા. આ માટે અંદાજે રૂ. ૧૭ કરોડથી વધુની આર્થિક સહાય કરવામાં આવી હતી. છેલ્લા ૫ વર્ષમાં આ ક્ષેત્રમાં થયેલી નોંધપાત્ર કામગીરીની વાત કરીએ તો, ગુજરાતના ગામડાઓમાં પશુપાલકો દ્વારા ભરવામાં આવતા દુધની ગુણવત્તાની જાળવણી માટે અને પારદર્શકતા જાળવવા માટે વર્ષ ૨૦૧૮ માં ૩૪૪ અને વર્ષ ૨૦૧૯ માં ૩૨૪ ઓટોમેટિક મિલ્ક કલેકશન સિસ્ટમ કાર્યરત કરી. ઉપરાંત રાજ્યમાં ૪ કુલિંગ યુનિટની સ્થાપના માટે પણ રાજ્ય સરકાર તરફથી ૧૩.૭૫ કરોડની આર્થિક સહાય પૂરી પાડવામાં આવી.

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી કહે છે કે, નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહની દીર્ઘદ્રષ્ટી અને માર્ગદર્શનના કારણે ગુજરાતનો ડેરી ઉદ્યોગ વૈશ્વિક સ્તરે ખ્યાતિ મેળવી રહ્યો છે. આમ,ગુજરાતના ગામડાઓમાં ડેરી વ્યવસાયના કારણે આમૂલ પરિવર્તન આવ્યું છે. જેમાં દુધ-ઉત્પાદક સહકારી મંડળી અને સંઘોને માળખાગત સુવિધાઓ આપવામાં ભારત અને ગુજરાત સરકારની મહત્વની ભૂમિકા રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *