તોશાખાના કેસમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને ત્રણ વર્ષની સજા સંભળાવવામાં આવી.
તોશાખાના કેસમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને ત્રણ વર્ષની સજા સંભળાવવામાં આવી છે.પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાન ( ૭૦ વર્ષ )ની મુશ્કેલીઓ વધી ગઈ છે. તોશાખાના કેસમાં કોર્ટે ઈમરાનને ૩ વર્ષની જેલની સજા ફટકારી છે. એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ઈમરાનની પાર્ટી પીટીઆઈએ દાવો કર્યો છે કે ઈમરાનની ધરપકડ કરવામાં આવી છે. કોર્ટના નિર્ણય બાદ ઇમરાનની રાજકીય કારકિર્દી મુશ્કેલીમાં છે. તે આગામી ૫ વર્ષ સુધી ચૂંટણી લડી શકશે નહીં. ઈસ્લામાબાદ પોલીસે ઈમરાન વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું હતું. ઈમરાનની ધરપકડ બાદ પાકિસ્તાનમાં વાતાવરણ ગરમ થઈ શકે છે.
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને તોશાખાના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. ઈસ્લામાબાદની જિલ્લા અને સત્ર અદાલતે ઈમરાન ખાનને ત્રણ વર્ષની જેલની સજા સંભળાવી છે. ઈમરાન ખાનને આ સજા સામે ઉચ્ચ અદાલતોમાં અપીલ કરવાની તક છે.
ઈમરાન ખાનની ધરપકડ કરવામાં આવશે કે પછી તેને કોર્ટમાંથી જ જામીન આપવામાં આવશે તે હજુ સુધી જાણી શકાયું નથી. સુનાવણી બાદ કોર્ટે ઈમરાન ખાનને પ્રોપર્ટી છુપાવવા અને સરકારી ગિફ્ટ વેચવા બદલ દોષી ઠેરવ્યા છે. જોકે ઈમરાન ખાનના વકીલોએ પહેલા જ ટ્રાયલ કોર્ટના જજ પર પક્ષપાતી હોવાનો આરોપ લગાવ્યો હતો. આવી સ્થિતિમાં પાકિસ્તાનમાં ફરી એકવાર હંગામો વધવાની સંભાવના છે.
શું છે તોશાખાના કેસ ?
તોશાખાના એ પાકિસ્તાનમાં એક સરકારી વિભાગ છે, જ્યાં અન્ય સરકારોના વડાઓ, વિદેશી મહાનુભાવો દ્વારા રાષ્ટ્રપતિ, વડા પ્રધાન, સાંસદો, અમલદારો અને અધિકારીઓને આપવામાં આવતી ભેટો રાખવામાં આવે છે. વડાપ્રધાન તરીકે ઈમરાન ખાન પર આરોપ હતો કે, તેમણે તોશાખાનામાં રાખવામાં આવેલી ભેટને ઓછી કિંમતે ખરીદી હતી અને પછી નફો કમાવવા માટે તેને વેચી દીધી હતી. વર્ષ ૨૦૧૮ માં ઈમરાન ખાનને દેશના પીએમ તરીકે યુરોપ અને ખાસ કરીને આરબ દેશોની મુલાકાત દરમિયાન ઘણી કિંમતી ભેટ મળી હતી. ઈમરાન દ્વારા ઘણી ગિફ્ટ જાહેર કરવામાં આવી ન હતી, જ્યારે ઘણી ગિફ્ટ ઓરિજિનલ કરતાં ઘણી ઓછી કિંમતે ખરીદવામાં આવી હતી અને બહાર જઈને ઊંચા ભાવે વેચાઈ હતી.