ઈસરોએ આજે ચંદ્રયાન-૩ દ્વારા ધરતી અને ચંદ્રની તસવીર મોકલાઈ હોવાની માહિતી શેર કરી.
ભારતના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ચંદ્રયાન-૩ મિશન સતત આગળ વધી રહ્યો છે. ચંદ્રયાન-૩ ચંદ્રની ઘણી નજીક પહોંચી ગયો છે. દરમિયાન ઈસરોએ આજે ચંદ્રયાન-૩ને લઈ મહત્વની જાણકારી શેર કરી છે. ઈસરોએ ટ્વિટ કરીને જણાવ્યું કે, ચંદ્રયાને લેન્ડર ઈમેજર કેમેરાથી ધરતી અને ચંદ્રની ફોટો મોકલી છે.
ચંદ્રયાન-૩એ ચંદ્રના ત્રીજા ઓર્બિટમાં પહોંચ્યાના એક દિવસ બાદ આ તસવીર મોકલી છે. આ તસવીર લેન્ડર હોરિજોટલ વિલોસિટી કેમેરાથી કંડારાઈ છે. ઉલ્લેખનિય છે કે, ૧૪ મી જુલાઈના રોજ ચંદ્રયાન-૩ લોન્ચ કરાયું હતું. ત્યારથી જ ચંદ્રયાન-૩ એક પછી એક સ્ટેપ્સ સફળતાપૂર્વક પાર કરી રહ્યો છે. ચંદ્રયાન-૩ પાંચમી ઓગસ્ટના રોજ ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ્યું હતું.
ઈસરોએ બુધવારે ટ્વિટ દ્વારા માહિતી આપી હતી કે, ચંદ્રયાન-૩ ચંદ્રની ધરતીની ખુબ જ નજીક પહોંચી ગયું છે. ઉપરાંત ઈસરોએ કહ્યું હતું કે, ચંદ્રયાન-૩ ચંદ્રની ધરતીથી માત્ર ૧૭૪ કિલોમીટર x ૧૪૩૭ કિલોમીટર દુર છે. તેમણે કહ્યું કે, આગામી ઓપરેશન ૧૪ ઓગસ્ટ-૨૦૨૩ના રોજ ૧૧:૩૦થી ૧૨:૩૦ કલાક વચ્ચે નક્કી કરવામાં આવ્યું છે.