અમેરિકન સિંગરે વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ પર નિશાન સાધ્યું અને કહ્યું કે તેનાથી વિદેશમાં ભારતની છબી ખરાબ થઈ છે.
અમેરિકન સિંગર મેરી મિલબેને મણિપુર મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સમર્થન કર્યું છે. વાત જાણે એમ છે કે, મિલબેને કહ્યું કે, પીએમ મોદી હંમેશા પૂર્વોત્તર ( નોર્થ-ઈસ્ટ ) ના લોકો માટે ઉભા રહેશે. મેરી મિલેબેનનું નિવેદન ગુરુવારે સંસદમાં પીએમ મોદીના ભાષણ પછી આવ્યું છે. ગુરુવારે PM મોદીએ તેમની સરકાર વિરુદ્ધ લાવવામાં આવેલા વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવનો જવાબ આપ્યો હતો.
મેરી મિલબેને વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ પર નિશાન સાધ્યું અને કહ્યું કે, તેનાથી વિદેશમાં ભારતની છબી ખરાબ થઈ છે. તેમણે ટ્વીટ કર્યું કે, સત્ય એ છે કે ભારતને તેના નેતામાં વિશ્વાસ છે. મણિપુરની માતાઓ, પુત્રીઓ અને મહિલાઓને ન્યાય મળશે. પીએમ મોદી હંમેશા તમારી પડખે રહેશે. વિપક્ષના અવાજનો કોઈ આધાર નથી. સત્ય એ છે કે સત્ય હંમેશા લોકોને મુક્ત કરે છે.
ડૉ. માર્ટિન લ્યુથર કિંગ જુનિયરના શબ્દોમાં ‘લેટ ફ્રીડમ રિંગ’. પીએમ મોદી, મને તમારામાં પૂરો વિશ્વાસ છે. હું તમારા માટે પ્રાર્થના કરું છું. તમને જણાવી દઈએ કે, પુરસ્કાર વિજેતા આંતરરાષ્ટ્રીય ગાયિકા મિલેબન આ વર્ષે જૂનમાં તેમના યુએસ પ્રવાસ દરમિયાન પીએમ મોદીને મળી હતી.
પીએમ મોદી સાથેની મુલાકાત દરમિયાન તેમણે ભારતનું રાષ્ટ્રગીત જન ગણ મન પણ ગાયું અને પીએમ મોદીના ચરણ સ્પર્શ કર્યા. મેરી મિલબેન ભારતમાં રાષ્ટ્રગીત ‘જન ગણ મન’ અને ‘ઓમ જય જગદીશ હરે’ ગાવા માટે ખૂબ જ લોકપ્રિય છે. તેમણે વડાપ્રધાન મોદી સાથે ૨૧ જૂન ના રોજ સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલય ( UNHQ ) ખાતે ૯ મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસમાં ભાગ લીધો હતો.