પીએમ મોદીનો વિપક્ષ પર વધુ એક પ્રહાર: અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાનથી ઘમંડીયા ગઠબંધનનો પર્દાફાશ

પીએમ મોદી: દેશભરમાં નકારાત્મકતા ફેલાવનારાઓને જડબાતોડ જવાબ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળમાં પ્રાદેશિક પંચાયતી રાજ પરિષદને સંબોધિત કરતા વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે વિપક્ષ પર ઘમંડી ગઠબંધન ગણાવતા મણિપુર પર માત્ર રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો હતો. વડાપ્રધાને કહ્યું, અમે સંસદમાં વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવને હરાવ્યો અને દેશભરમાં નકારાત્મકતા ફેલાવનારાઓને જડબાતોડ જવાબ આપ્યો. વિપક્ષના સભ્યોએ સંસદ અધવચ્ચે છોડી ભાગ્યા હતા. તેનું કારણ એ છે કે, તેઓ અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાનથી ડરી ગયા હતા.

વિપક્ષના આ લોકો ગૃહ છોડીને ભાગ્યા, આખા દેશે આ જોયું છે. પરંતુ દુઃખની વાત તો એ છે કે, આ લોકોએ મણિપુરના લોકોને આટલા મોટા પ્રમાણમાં દગો આપ્યો છે. તેમણે આગળ કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં અમારા કાર્યકરો જે સંઘર્ષ કરી રહ્યા છે તે આખો દેશ જોઈ રહ્યો છે. તાજેતરમાં જ ત્યાં પંચાયતની ચૂંટણી યોજાઈ છે. આ ચૂંટણીઓમાં ટીએમસીએ કરેલા હિંસક રમખાણો પણ દેશે જોઈ છે.

સત્રની શરૂઆત પહેલા દેશના ગૃહમંત્રીએ આ રાજકીય પક્ષોને પત્ર લખીને કહ્યું હતું કે, તેઓ મણિપુર પર તાત્કાલિક ચર્ચા કરવા માંગે છે અને એકલા મણિપુર પર જ વિગતવાર ચર્ચા કરવી જરૂરી છે. જો આવા સંવેદનશીલ વિષય પર ચર્ચા થઈ હોત તો મણિપુરના લોકોએ રાહત અનુભવી હોત અને સમસ્યાના ઉકેલ માટે કેટલાક નવા રસ્તાઓ બહાર આવ્યા હોત, પરંતુ આ લોકો મણિપુરની ચર્ચા કરવા માંગતા ન હતા, કારણ કે તેઓ જાણતા હતા કે મણિપુરની સત્યતા શું છે. તેમને મણિપુરના નાગરિકોની પીડા અને વેદનાની પરવા નહોતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *