ચંદ્રયાન-૩ ને લઈ ફરી એકવાર મોટી અપડેટ સામે આવી

ચંદ્રયાન – ૩ સાથે મોકલવામાં આવેલ વિક્રમ લેન્ડર ચંદ્ર તરફ યોગ્ય રીતે આગળ વધી રહ્યું છે, સફળ ડીબૂસ્ટિંગ કર્યા પછી લેન્ડર મોડ્યુલ શુક્રવારે ચંદ્રની નજીક પહોંચ્યું.

ચંદ્રયાન-૩ ને લઈ ફરી એકવાર મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, ચંદ્રયાન-૩ સાથે મોકલવામાં આવેલ વિક્રમ લેન્ડર ચંદ્ર તરફ યોગ્ય રીતે આગળ વધી રહ્યું છે. સફળ ડીબૂસ્ટિંગ કર્યા પછી લેન્ડર મોડ્યુલ શુક્રવારે ચંદ્રની નજીક પહોંચી ગયું છે. લેન્ડર મોડ્યુલમાં લેન્ડર ( વિક્રમ ) અને રોવર ( પ્રજ્ઞાન ) નો સમાવેશ થાય છે. ઈસરોએ કહ્યું કે, લેન્ડરની તબિયત એકદમ સામાન્ય છે.

ચંદ્રયાન-૩ માટે થોડા જ કલાકો નિર્ણાયક બનવાના છે. આનું કારણ એ છે કે, ૨૦ ઓગસ્ટના રોજ લેન્ડર ફરીથી ડીબૂસ્ટ થશે અને તેને નીચલી ભ્રમણકક્ષામાં ઉતારવામાં આવશે. લેન્ડર મોડ્યુલની ભ્રમણકક્ષા ૧૧૩ કિમી x ૧૫૭ કિમી સુધી ઘટાડી દેવામાં આવી છે. ભારતીય અવકાશ સંશોધન સંસ્થાએ શુક્રવારે X પર પોસ્ટ કર્યું હતું. આગામી ડીબૂસ્ટિંગ પ્રક્રિયા ૨૦ ઓગસ્ટના રોજ ભારતીય સમય અનુસાર લગભગ ૦૨:૦૦ વાગ્યે પૂર્ણ થશે.

ગુરુવારે ચંદ્રયાન-૩ ના પ્રોપલ્શન મોડ્યુલ અને લેન્ડર મોડ્યુલને અલગ કરવામાં આવ્યા હતા. લેન્ડર વિક્રમ ૨૩ ઓગસ્ટે સાંજે ૦૫:૪૭ વાગ્યે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગની તૈયારી કરી રહ્યું છે. જ્યારે વિક્રમ ચંદ્રના દક્ષિણ ધ્રુવને સ્પર્શ કરશે ત્યારે ભારત આવું કરનાર વિશ્વનો ચોથો દેશ બની જશે. અત્યાર સુધી માત્ર અમેરિકા, રશિયા અને ચીને તેમના લેન્ડરને ચંદ્રની સપાટી પર ઉતાર્યા છે. ચંદ્રયાન-૩ ૧૪ જુલાઈના રોજ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી રવાના થયું હતું.

ચંદ્રયાન-૩ અવકાશયાનના લેન્ડર મોડ્યુલ પર લગાવવામાં આવેલા કેમેરાએ ચંદ્રની તસવીરો કેપ્ચર કરી હતી. ઈસરોએ શુક્રવારે X પર આ તસવીરો શેર કરી હતી. આમાંથી કેટલીક તસવીરો ૧૫ ઓગસ્ટના રોજ લેન્ડર પોઝિશન ડિટેક્શન કેમેરા ( LPDC ) દ્વારા લેવામાં આવી હતી. જ્યારે કેટલીક તસવીરો લેન્ડર ઈમેજર ( LI ) કેમેરા-૧ દ્વારા ૧૭ ઓગસ્ટે લેવામાં આવી હતી. આ ચંદ્રની સપાટી પરના ખાડાઓ દર્શાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *