સ્ટંટ કરતા યુવાનોને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, સ્ટંટનો એટલો શોખ હોય તો આર્મીમાં જોડાઈને દેશની રક્ષા કરો, પણ આઝાદીનો ખોટો ફાયદો ઉઠવશો નહીં.
અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર ગત મહિને સર્જાયેલા અકસ્માતના પડઘા ગુજરાતભરમાં પડ્યા હતા. ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં ૯ લોકોના મૃત્યુ થયા બાદ રાજ્યભરમાં પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે છતાં હજુ પણ કેટલાક નબીરાઓને જાણે કાયદાનો કે પોલીસનો કોઈ ડર જ ન હોય તેમ રોડ પર બેફામ વાહન ચલાવી રહ્યા છે. જેના અનેક વીડિયો પણ સામે આવી રહ્યા છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બેફામ વાહન હંકારતા અને જોખમી સ્ટંટ કરતા લોકોને સલાહ આપી છે. તેઓએ જણાવ્યું કે, સ્ટંટનો શોખ હોય તો આર્મીમાં જોડાઈ જાવ.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે,
સુરતમાં એક જાહેર કાર્યક્રમમાં મંચ પરથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બેફામ વાહન હંકારતા તત્વોને આઝાદીનો ગેરલાભ ન ઉઠાવવા અપીલ કરતા જણાવ્યું કે, મેં 15મી ઓગસ્ટે દાહોદ ખાતેથી મારા રાજ્યના દરેક નાગરિકોને વિનંતી કરી હતી કે આપણી સૌની જવાબદારી છે કે આઝાદીનો સાચો મતલબ સમજીએ, આઝાદીનો મતલબ આઝાદીનો ગેરફાયદો ઉઠાવીને આપણે આ રાહદારી માટે બનાવેલા રસ્તાને રેસિંગ ટ્રેક ન બનાવીએ. જો તમને થ્રિલ અને સ્ટંટ કરવાનો એટલો જ શોખ હોય અને તમારી અંદર એટલું જ ડેરિંગ હોય તો તમે મહેનત કરીને ઈન્ડિયન આર્મીમાં ભરતી થાવ અને દેશની સરહદ પર જઈને દેશની રક્ષા માટે તમે દરેક લોકો મહત્વનો રોલ ભજવો. એટલો જ શોખ હોય તો એક સારા ડોક્ટર બનીને એક સામાન્ય ગામની અંદર જઈને ઓપરેશન કરીને મારા રાજ્યના નાગરિકોને બચાવવાની કામગીરી કરો. તો તમને સ્ટંટનો એટલો જ શોખ હોય તો તમે ટેક્નોલોજીમાં આ રાજ્યો માટે, રાજ્યના નાગરિકોને સરકારી લાભો કઈ રીતે મળે તે માટે કામગીરી કરો. પરંતુ આઝાદીનો ખોટો ન ઉઠાવવો યોગ્ય નથી. હર્ષ સંઘવીએ કહ્યું કે, તમે એક વખત જેલની મુલાકાત કરો, આઝાદીનો ગેરફાયદો ઉઠાવનારની શું સ્થિતિ છે તે જેલમાં જઈને નજીકથી જુઓ.
સ્ટંટ કરતાં બાળકોના વાલીઓને ચેતવણી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, ‘સ્ટંટ કરતાં બાળકોના પિતા પણ જવાબદાર છે. જો કોઈ બાળક સ્ટંટ કરતા ઝડપાશે તો કોઈ ભલામણ કે છૂટ આપવામાં આવશે નહીં. આવા કિસ્સામાં માતા અને પિતા સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાતના રોડ-રસ્તાને રેસિંગ ટ્રેક બનાવાશે તો કાર્યવાહી કરાશે.’