ઉત્તરાખંડમાં સર્જાયેલા બસ અકસ્માતમાં ૭ શ્રદ્ધાળુઓના મૃત્યુ, અકસ્માતમાં પાલીતાણાના કરણજીત ભાટીનું મૃત્યુ થતાં ત્રણ સંતાનોએ ગુમાવી પિતાની છત્રછાયા.
ઉત્તરાખંડમાં થયેલા અકસ્માતમાં ભાવનગરના ૭ શ્રદ્ધાળુના મૃત્યુ થયા છે. ઉત્તરકાશીના ગંગોત્રી હાઈવે પર ગંગોત્રી યાત્રાધામથી પરત ફરતી વખતે ભયાનક અકસ્માત સર્જાયો હતો. ગંગના નજીક ૧૦૦ મીટર ઊંડી ખીણમાં શ્રદ્ધાળુઓથી ભરેલી બસ ખાબકી હતી. બસ ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બેરિયર તોડીને યાત્રાળુથી ભરેલી બસ ખીણમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં ૭ લોકોના મોત નિપજ્યા છે, જ્યારે આ મામલે ૨૮ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઉત્તરાખંડના સીએમ પુષ્કર ધામીએ આ દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે અને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી છે.
ગુજરાત સરકારે હેલ્પલાઇન નંબર ૦૭૯ – ૨૩૨૫૧૯૦૦ જાહેર કર્યો છે. ગુજરાત સરકાર સતત ઉત્તરાખંડ સરકારના સંપર્કમાં છે.
ઉત્તરાખંડના ગંગોત્રી નેશનલ હાઇવે સર્જાયેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા 7 મૃતકોમાંથી સૌથી નાની ઉંમરના કરણજીત ભાટી છે. ૨૯ વર્ષીય કરણજીત ભાટીનું બસ અકસ્માતમાં મૃત્યુ થતાં ૩ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. આપને જણાવી દઈએ કે, અકસ્માતમાં મૃત્યુ પામેલા ૨૯ વર્ષીય કરણજીત ભાટી બે પુત્રી અને એક પુત્રના પિતા હતા. કરણજીત ભાટીના અવસાનથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે. પતિનું અકસ્માતમાં મોત થતાં પત્ની આઘાતમાં સરી પડી છે. હાલ પરિવારજનો મૃતદેહ લેવા દેહરાદુંન જવા રવાના થયા છે.