ભારતના ગોલ્ડન બોય અને સ્ટાર જેવલીન થ્રો ખેલાડી નિરજ ચોપરાએ પોતાના ભાલાથી ફરીથી ઈતિહાસ રચ્યો છે.
ભારતના ગોલ્ડન બોય અને સ્ટાર જેવલીન થ્રો ખેલાડી નિરજ ચોપરાએ પોતાના ભાલાથી ફરીથી ઈતિહાસ રચ્યો છે. હંગેરીના બુડાપેસ્ટ ખાતે યોજાયેલ વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશિપ ૨૦૨૩ ની ભાલા ફેંકની ફાઈનલમાં નિરજ ચોપરાએ ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો છે.
ઓલમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતનાર નિરજ ચોપરાએ ભારતને પ્રથમ વખત વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ અપાવ્યો છે. ફાઈનલમાં નિરજ ચોપરાએ ૮૮.૧૭ મિટર દૂર ભાલો ફેંકીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. ટોકિયો ઓલમ્પિક્સમાં નિરજે કરેલા પ્રદર્શનનું પુનરાવર્તન વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં પણ જોવા મળ્યું હતું. નિરજે પોતાના બીજા પ્રયત્નમાં ૮૮.૧૭ મિટર દૂર ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો છે.
આ સાથે ભારતના અન્ય બે ખેલાડીઓએ પણ જેવલીન થ્રોની આ વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઈનલમાં સારું પ્રદર્શન કર્યું છે. જેમાં કિશોર જેના અને ડી.પી મનુએ અનુક્રમે ૮૪.૭૭ અને ૮૪.૧૪ મિટર દુર ભાલો ફેંક્યો હતો. અને પાંચમા – છઠ્ઠા ક્રમે રહ્યા હતા.
વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતનો આ પ્રથમ ગોલ્ડ મેડલ છે. આ પહેલાં કોઈ પણ રમતમાં ભારતને વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મળ્યો નથી. ત્યારે નિરજ ચોપરાએ ગોલ્ડ મેડલ જીતીને ભારતનું નામ રોશન કર્યું છે.