ઉ.કોરિયાએ રેકોર્ડ સંખ્યામાં હથિયારોના પરીક્ષણ કર્યા છે, સરમુખત્યાર કિમ જોંગ ઉને જહાજ નિર્માણ તથા યુદ્ધસામગ્રીના કારખાનાઓનું નિરીક્ષણ કર્યું.
અમેરિકા અને દક્ષિણ કોરિયા વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસથી અકળાયેલા ઉત્તર કોરિયાએ ટેક્ટિકલ ન્યૂક્લિયર એટેકનો અભ્યાસ કરીને સૌને ચોંકાવી દીધા છે. આ અભ્યાસમાં બે લાંબા અંતરની ક્રૂઝ મિસાઈલો સામેલ હતી અને સરમુખત્યાર કિમ જોંગ ઉને જહાજ નિર્માણ તથા યુદ્ધસામગ્રીના કારખાનાઓનું નિરીક્ષણ કર્યું હતું. અહેવાલ અનુસાર કોરિયન ટાપુના પશ્ચિમ તટથી સમુદ્ર તરફ અનેક ક્રૂઝ મિસાઈલો ઝિંકી હતી.
પ્યોંગયાંગે અમેરિકા અને દક્ષિણ કોરિયા સામે સૈન્ય પ્રતિરોધ વધારવાનો સંકલ્પ લીધો છે. આ દરમિયાન ઉ.કોરિયા દ્વારા ડમી પરમાણુ હથિયાર લઈ જતી બે ક્રૂઝ મિસાઈલોને ટાપુના પશ્ચિમ સાગર તરફ ઝિંકવામાં આવી હતી. ૧૫૦ મીટરની પૂર્વ નિર્ધારિત ઊંચાઈ પર ૧૫,૦૦૦ કિ.મી. સુધી ઉડાન ભરી હતી. આ વર્ષે ઉ.કોરિયાએ રેકોર્ડ સંખ્યામાં હથિયારોના પરીક્ષણ કર્યા છે.
તાજેતરનું મિસાઈલ પરીક્ષણ દક્ષિણ કોરિયા અને અમેરિકા વચ્ચે સંયુક્ત વાર્ષિક યુદ્ધાભ્યાસ જેને ઉલ્ચી ફ્રીડમ શીલ્ડના નામે પણ ઓળખાય છે તેના ૧૧ દિવસ બાદ ગુરુવારે સમાપ્ત થવાના ઠીક બાદ કર્યો હતો. ઉ.કોરિયા લાંબા સમયથી અમેરિકા અને દ.કોરિયાના સૈન્ય અભ્યાસને યુદ્ધનો પૂર્વાભ્યાસ બતાવી તેની ટીકા કરતું રહે છે.