યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ઘગ્રસ્ત વાતાવરણ વચ્ચે ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન રશિયા પહોંચ્યા. જ્યાં તેમણે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન સાથે મુલાકાત કરી હતી.
બંને નેતાઓ વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત થઈ હતી.આ મુલાકાત રશિયન સ્પેસપોર્ટ વોસ્તોચન કોસ્મોડ્રોમ ખાતે થઈ હતી.આ સ્પેસપોર્ટ રશિયાના પૂર્વીય આમુર ક્ષેત્રમાં આવેલું છે. મુલાકાત બાદ સંયુક્ત નિવેદનમાં જોંગે કહ્યું હતું કે રશિયા સાથે સારા સંબંધો અમારી પ્રાથમિકતા છે. અમે સામ્રાજ્યવાદ સામેની લડાઈમાં હંમેશા રશિયા સાથે ઊભા રહીશું.
બીજી તરફ રાષ્ટ્રપતિ પુતિને સેટેલાઇટ-રોકેટ લોન્ચિંગમાં નોર્થ કોરિયાને મદદ કરવાની ખાતરી આપતા કહ્યું હતું કે ‘અમે આ જ કારણસર સ્પેસ સેન્ટરમાં મુલાકાત કરી રહ્યા છીએ’. ઉત્તર કોરિયાના નેતાઓને રોકેટ કન્સ્ટ્રક્શન ટેક્નોલોજીમાં રસ છે. અમારી પાસે ઘણો સમય છે અને અમે દરેક મુદ્દા પર ચર્ચા કરીશું. નોંધનીય છે કે કિમ જોંગ મંગળવારે ટ્રેન દ્વારા રશિયા પહોંચ્યા હતા.