લોકસભાની આગામી ચૂંટણી માટે કોંગ્રેસની કવાયત તેજ, ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પક્ષના પૂર્વ ધારાસભ્યોની બોલાવી બેઠક.
ગુજરાત સહિત દેશભરમાં આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષોએ અત્યારથી જ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં ગુજરાત કોંગ્રેસનો પણ સમાવેશ થાય છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ પદની કમાન સંભાળ્યા બાદથી શક્તિસિંહ ગોહિલ સતત એક્ટિવ છે. તેમના દ્વારા લોકસભાની ચૂંટણી જીતવા માટે તનતોડ મહેનત કરવામાં આવી રહી છે. તેઓ સ્થાનિક સ્તરે સંગઠનને મજબૂત બનાવવા મથી રહ્યા છે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ દ્વારા આજે ગુજરાત કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યોની બેઠક બોલાવવામાં આવી છે.
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલના અધ્યક્ષસ્થાને યોજાનારી બેઠકમાં પૂર્વ ધારાસભ્યો પક્ષને કેવી રીતે મદદ કરી શકે તે અંગેની ચર્ચા કરાશે. સાથે જ આજની આ બેઠકમાં પક્ષને મજબૂત બનાવવા માટે પૂર્વ ધારાસભ્યોને જવાબદારી સોંપવામાં આવશે. કોંગ્રેસ પક્ષે ઓળખ આપી હોવાથી હવે પક્ષને મજબૂત કરવા પૂર્વ ધારાસભ્યોને જવાબદારી સોંપવામાં આવશે.
૨૦૨૪ ની લોકસભા ચૂંટણી જીતવા ગુજરાત કોંગ્રેસ દ્વારા રણનીતિ ઘડવામાં આવી રહી છે. તાજેતરમાં જ ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારી તરીકે મુકુલ વાસનીકે જવાબદારી સંભાળી લીધી છે. તેમના દ્વારા લોકસભાની ચૂંટણી પહેલાં ત્રણ AICCના નેતાઓને ગુજરાતની વિવિધ લોકસભા બેઠકોની જવાબદારી સોંપવામાં આવી છે.