હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં આવતીકાલ સુધી સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા
છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૪૩ તાલુકામાં વરસાદી માહોલ રહ્યો હતો. હવામાન વિભાગના આંકડા પર નજર કરીએ તો, સુરત જિલ્લાના પલસાણામાં સૌથી વધુ સવા બે ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે નર્મદાના સાગબારા અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં બે-બે ઈંચ વરસાદ વરસતા ખેડૂતો ખુશ ખુશાલ થયા હતા. સુરત જિલ્લાના બારડોલી અને કામરેજમાં પણ બે-બે ઈંચ મેઘમહેર વરસી હતી. આ ઉપરાંત અમરેલીના રાજુલા અને જામનગરના કાલાવડમાં એક-એક વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં આવતીકાલ સુધી સામાન્યથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. જ્યારે ૧૭ થી ૧૯ સપ્ટેમ્બર સુધી મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.