ઉત્તર ગુજરાતમાં હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે

NDRF, SDRFની ૧૦ ટુકડીઓ તહેનાત, નીચાણવાળા વિસ્તારોમાંથી અંદાજે ૧૧,૯૦૦ લોકોને સ્થળાંતરિત કરાયા, કરજણ તાલુકામાં નર્મદા નદીની વચ્ચે આવેલા વ્યાસ બેટ ખાતે પૂરના પાણીમાં ફસાયેલા ૧૨ વ્યક્તિને સેનાની મદદથી બચાવાયા.

ગુજરાતમાં ઓગસ્ટ મહિનો કોરો ધાકોર ગયા બાદ સપ્ટેમ્બરના મધ્યમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યાં છે. ઉત્તર ગુજરાતમાં હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે. થરાદમાં બે કલાકમાં બે ઈંચ વરસાદ ખાબકતાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયાં છે. ઘરવખરી સહિતની ચીજો પલળી જતાં ભારે નુકસાન પહોંચ્યું છે. રાજ્યમાં છેલ્લા ૬ કલાકમાં ૧૫૮ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં વિસાવદરમાં ૧૦ ઈંચ, મેંદરડામાં ૫ ઈંચ, ભાભરમાં ૪.૫ ઈંચ, રાધનપુર, દિયોદર, મહેસાણામાં ૩.૭૫ ઈંચ, હળવદ અને ડીસામાં ૩ ઈંચ સહિત રાજ્યના ૨૬ થી વધુ તાલુકામાં એકથી દોઢ ઈંચ વરસાદ પડ્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે X પર પોસ્ટ કરીને જણાવ્યા પ્રમાણે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં થયેલ ભારે વરસાદની પરિસ્થિતિ સંદર્ભે સંબંધિત જિલ્લાઓના કલેક્ટરો સાથે સતત સંકલનમાં છું.હાલ NDRF અને SDRF બંનેની ૧૦ ટૂકડીઓ વિવિધ સ્થળોએ બચાવ કામગીરીમાં તૈનાત છે. વડોદરા, ભરૂચ, નર્મદા, દાહોદ, પંચમહાલ, આણંદ, ગાંધીનગર સહિતના જિલ્લાઓના નીચાણવાળા વિસ્તારોમાંથી અંદાજે ૧૧,૯૦૦ જેટલા લોકોને સ્થળાંતરિત કરીને સલામત આશ્રયસ્થાનો પર ખસેડવામાં આવ્યા છે. ૨૭૦ થી વધુ નાગરિકોને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.રાહત કમિશનર આલોક પાંડેએ મીડિયાને નિવેદન આપતાં કહ્યું હતું કે, બપોરે ૦૪:૦૦ વાગ્યા બાદ સ્થિતિ સામાન્ય થઈ જશે, મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદ પડ્યો છે. વડોદરામાં એરફોર્સની ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.ફૂડ પેકેટ અને શેલ્ટર હોમની વ્યવસ્થા કરાઈ છે. વડોદરા, નર્મદા અને ભરૂચમાં હજુ જળસ્તર વધુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *