પીએમ મોદીએ ભાજપ મુખ્યાલય ખાતે નારી શક્તિ વંદન-અભિનંદન કાર્યક્રમમાં હાજરી આપી.
લોકસભા અને રાજ્યની વિધાનસભાઓમાં મહિલાઓને ૩૩ % અનામત આપતું ઐતિહાસિક બીલ નારી શક્તિ વંદન અધિનિયમ (મહિલા અનામત બીલ) બીલ રાજ્યસભામાં પણ ખૂબ સરળતાપૂર્વક પાસ થઈ ગયું છે. આ તરફ હવે લોકસભા અને રાજ્યસભામાં આ બિલ પાસ થયા બાદ હવે ભાજપના મહિલા મોરચા દ્વારા પ્રધાનમંત્રી મોદીનો આભાર માનવા દિલ્હીમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
ભાજપ મુખ્યાલય ખાતે નારી શક્તિ વંદન-અભિનંદન કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના મહિલા મોરચા દ્વારા પીએમ મોદીનો આભાર માનવામાં આવ્યો હતો. મહત્વનું છે કે, નારી શક્તિ વંદન અધિનિયમ (મહિલા અનામત બીલ) સંસદના બંને ગૃહ એટલે કે પહેલા લોકસભા અને પછી રાજ્યસભામાં પણ પાસ થઈ ગયું છે. જેથી હવે આગામી દિવસોએ આ બિલ રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવશે. તેમની મંજૂરી મળેથી તે તત્કાળ કાયદો બની જશે.
પીએમ મોદીએ કહ્યું,
દેશે એક નવો ઈતિહાસ રચતો જોયો છે. આપણે સૌ ભાગ્યશાળી છીએ કે લાખો લોકોએ આપણને ઈતિહાસ રચવાની તક આપી. આવનારી ઘણી પેઢીઓ માટે તેની ચર્ચા થશે. હું મહિલા અનામત બિલને સંસદના બંને ગૃહોમાં અને રાજ્યસભામાં સર્વસંમતિથી પસાર થવા બદલ અભિનંદન આપું છું. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા જી, અન્ય તમામ વરિષ્ઠ સાથીદારો અને આજે હું દેશની માતાઓ અને બહેનોને પણ દૂરથી વંદન કરું છું.
ક્યારેક કોઈ પણ નિર્ણય દેશનું ભાગ્ય બદલવાની ક્ષમતા ધરાવે છે. હવે અમે આવા નિર્ણયના સાક્ષી બન્યા છીએ. નારી શક્તિ વંદન કાયદો વિક્રમી મતોથી પસાર કરવામાં આવ્યો છે. દેશ જેની ઘણા દાયકાઓથી રાહ જોઈ રહ્યો હતો તે સપનું હવે પૂરું થયું છે. દેશ માટે આ ખાસ સમય છે. ભાજપના કાર્યકરો માટે પણ આ ખાસ છે. દરેક સ્ત્રીનો આત્મવિશ્વાસ આકાશને આંબી રહ્યો છે.
આખા દેશની માતાઓ, બહેનો અને દીકરીઓ આજે ઉજવણી કરી રહી છે અને આપણા બધાને આશીર્વાદ આપી રહી છે. આપણી ભાજપ સરકારને લાખો માતાઓ અને બહેનોના સપનાઓ સાકાર કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે, તેથી રાષ્ટ્રને પ્રથમ માનનારી પાર્ટી તરીકે, ભાજપના કાર્યકર તરીકે, એક જવાબદાર નાગરિક તરીકે, તે આપણા માટે ગૌરવની વાત છે. પીએમ મોદીએ કહ્યું, નારી શક્તિ વંદન કાયદો કોઈ સામાન્ય કાયદો નથી. આ નવા ભારતની નવી લોકશાહી પ્રતિબદ્ધતાની ઘોષણા છે. અમૃત કાલમાં દરેકના પ્રયાસો દ્વારા વિકસિત ભારતના નિર્માણની દિશામાં આ એક પગલું છે. લોકશાહીમાં મહિલાઓની ભાગીદારી માટે ભાજપ આ કાયદા માટે ત્રણ દાયકાથી પ્રયાસ કરી રહ્યું હતું. આ અમારી પ્રતિબદ્ધતા હતી. અમે તેને પૂર્ણ કરીને દર્શાવ્યું છે.