ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં જમીનથી પાંચ કિલોમીટર ઊંડે હતું, ભૂકંપના આંચકાથી લોકો પોતોના ઘર-ઓફિસોમાંથી બહાર દોડી ગયા હતા
દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં ભૂકંપના બે જોરદાર આંચકા અનુભવાયા છે જેમાં પહેલો આંચકો બપોરે ૦૨:૨૫ વાગ્યે આવ્યો હતો જેની તીવ્રતા ૪.૬ માપવામાં આવી હતી જ્યારે બીજો ભૂકંપ ૦૨:૫૧ કલાકે આવ્યો હતો જેની નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ભૂકંપની તીવ્રતા ૬.૨ માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં જમીનથી પાંચ કિલોમીટર ઊંડે હતું. આ ૩૦ મીનીટના જ ગાળામાં આવેલા બે ભૂકંપના આંચકાથી લોકો પોતોના ઘર-ઓફિસોમાંથી બહાર દોડી ગયા હતા.
ગઈકાલે પૂર્વોત્તર રાજ્યો આસામ અને મેઘાલય સહિત દેશના ૪ રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ગઈકાલે સાંજે પશ્ચિમ બંગાળ અને ત્રિપુરામાં પણ ધરતી ધ્રૂજી ગઈ હતી. મેઘાલયમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૫.૨ નોંધાઈ હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, મેઘાલયમાં સાંજે ૦૬:૧૫ કલાકે ભૂકંપ આવ્યો હતો જેની રિક્ટર સ્કેલ પર તીવ્રતા ૫.૨ માપવામાં આવી હતી.