વેરાવળની એક્સિસ બેંકમાં કરોડોનું કૌભાંડ

પ્રાથમિક તપાસમાં બેન્કના સોનાના કુલ ૬ જેટલાં પાઉચમાં ૨ કરોડના ૨ કિલો ૭૪૬ ગ્રામ સોનાની ઠગાઈ, વેરાવળ પોલીસે બેંકના ત્રણ કર્મચારીઓ સામે ફરિયાદ નોંધીને વધુ પુછપરછ હાથ ધરી.

વેરાવળની એક્સિસ બેંકમાં સેલ્સ મેનેજર માનસિંહ ગઢિયા, વિપુલ રાઠોડ અને પિન્કી ખેમચંદાણીએ લોનના નામે કૌભાંડ આચર્યું છે. એક્સિસ બેન્કના આ કર્મચારીઓએ અસલી સોનું કાઢીને નવા પાઉચ પર જૂના પાઉચની તમામ વિગત લખી અધિકારીઓની સહીઓ કરી નાખી હતી તેમજ પાઉચ ઉપરના દસ્તાવેજના નકલી રેકોર્ડ બનાવીને એમાં પીળી ધાતુના બોગસ દાગીના મૂકી દીધા હતા. ત્રણે જણાએ બોગસ ગ્રાહકો ઊભા કરીને તેમના નામે નવી ગોલ્ડ લોન મંજૂર કરાવી લેતા હતા અને તેમના દાગીનાના નામે લોન મેળવતા હતા. કૌભાંડનો માસ્ટરમાઈન્ડ માનસિંહ ગઢિયા છેલ્લા દોઢેક વર્ષમાં શેરબજારમાં સાતેક કરોડ જેટલી રકમ ગુમાવી ચૂક્યો છે.

ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધીક્ષક મનોરસિંહ જાડેજાએ મીડિયાને જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં બેન્કના ત્રણ કર્મચારીને પોલીસે રાઉન્ડઅપ કરી લીધા છે અને તેમની સઘન પૂછપરછ હાલ ચાલી રહી છે. હાલ બે કરોડના ફ્રોડના મજબૂત પુરાવાઓ પોલીસને મળ્યાં છે. આ ફ્રોડની રકમ દસેક કરોડ જેટલી થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. પોલીસ દ્વારા ફ્રોડની રકમ ક્યાં ક્યાં યુટિલાઇઝ થઈ છે એના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. આ ફ્રોડમાં સામેલ તમામ લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે અને વધુ આરોપીઓની ધરપકડ પણ થાય એવી સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *