ઈરાનમાં મહિલાઓ પર થતા અત્યાચાર સામે લડાઈ લડનાર તેમજ મહિલાઓની સ્વતંત્રતા અને તેમના અધિકારો માટે લડાઈ લડનાર ઈરાની એક્ટિવિસ્ટ નરગેસ મોહમ્મદીને વર્ષ-૨૦૨૩નો નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. ઈરાનની મહિલાઓની સ્વતંત્રતા અને તેમના અધિકારો માટે તેમણે અવાજ ઉઠાવ્યો હતો. મહિલાઓના અધિકારો માટે તેઓ ખૂબ લડ્યા છે. અને આ માટે તે જેલ પણ ભોગવી રહ્યા છે.
૫૧ વર્ષનાં નરગેસ હજુ પણ ઈરાનની જેલમાં કેદ છે. ઈરાન સરકાર વિરુદ્ધ દુષ્પ્રચાર ફેલાવવાના આરોપમાં તેમની ધરપકડ કરાઈ છે. નોબેલ પુરસ્કાર મળ્યા બાદ નરગેસને ૮.૩૩ કરોડ રૂપિયાનું ઈનામ અને ગોલ્ડ મેડલ આપવામાં આવશે.
મહત્વનું છે કે વિશ્વભરમાંથી ૩૫૦ લોકોને આ નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા. નોબેલ પુરસ્કાર એવી વ્યક્તિ કે સંસ્થાને આપવામાં આવે છે કે જેણે સમાજ કલ્યાણ અને શાંતિ સ્થાપવા માટે અને તેને પ્રોત્સાહન આપવા માટે શ્રેષ્ઠ કાર્ય કર્યું હોય.