ભારતીય ક્રિકેટ ટીમ આજે વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરશે

વર્લ્ડ કપ ૨૦૨૩ ની ૫ મી મેચ આજે ચેન્નાઈમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાવાની છે પરંતુ આ મેચ પર વરસાદનો ખતરો છે. સાથે જ ઓસ્ટ્રેલિયન ટીમના આ ખેલાડીઓ ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધારી શકે છે.

ICC ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૨૩ શરૂ થઈ ગયો છે. ભારતીય ક્રિકેટ ટીમ પણ આજે ઓસ્ટ્રેલિયા સામેની મેચથી વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ ચેન્નાઈના એમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. જે ભારતીય સમય અનુસાર બપોરે ૦૨:૦૦ વાગ્યે શરૂ થશે.

ભારત એકમાત્ર એવી ટીમ છે જેને એક પણ પ્રેક્ટિસ મેચ રમવાની તક મળી નથી. ટીમ ઈન્ડિયાની બંને પ્રેક્ટિસ મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી. એવામાં હવે દરેકના મનમાં સવાલ છે કે શું ભારત-ઓસ્ટ્રેલિયા મેચમાં વરસાદ વિલન બની શકે છે? નોંધનીય છે કે છેલ્લા અઠવાડિયાથી ચેન્નાઈમાં અવાર-નવાર વરસાદ પડી રહ્યો છે. આવી સ્થિતિમાં ભારત-ઓસ્ટ્રેલિયા મેચ પર વરસાદનો ખતરો છે.

આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ દરમિયાન વરસાદને કારણે વિક્ષેપ પડી શકે છે. હવામાનની આગાહી અનુસાર રવિવારે ચેન્નાઈમાં લઘુત્તમ તાપમાન ૨૬ ડિગ્રી સેલ્સિયસ જ્યારે મહત્તમ તાપમાન ૩૫ ડિગ્રી સેલ્સિયસ હોઈ શકે છે. તે જ સમયે, મેચના પ્રથમ થોડા કલાકોમાં વરસાદની સંભાવના છે. રવિવારે સાંજે૦૪:૦૦ વાગ્યે વરસાદની ૫૪ % શક્યતા છે.

ઓસ્ટ્રેલિયાની ટીમ રેકોર્ડ પાંચ વખત વર્લ્ડ ચેમ્પિયન છે, જ્યારે ભારતે બે વખત વર્લ્ડ ટાઈટલ જીત્યું છે. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ આજે આ રેકોર્ડને સુધારવા પર નજર રાખશે. જણાવી દઈએ કે તાજેતરમાં જ ભારતે ઓસ્ટ્રેલિયાને વનડે સીરીઝમાં ૨-૧ થી હરાવ્યું હતું.

ઓસ્ટ્રેલિયન ટીમ ભારતીય ટીમને અમુક અંશે હેરાન કરી શકે છે, કારણ કે ઓસ્ટ્રેલીયાની ટીમ પાસે એવા ખેલાડીઓની ફોજ છે, જે આ શાનદાર મેચમાં ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધારી શકે છે. આવી સ્થિતિમાં આજની મેચમાં ભારતે આ ખેલાડીઓને ઝડપથી આઉટ કરવા પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *