મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે સવારે ૧૦:૩૦ કલાકે યોજાશે કેબિનેટ બેઠક, ભારત પાકિસ્તાન મેચની સુરક્ષા, નવરાત્રીમાં આરોગ્ય વિભાગના આયોજન સંદર્ભે થશે ચર્ચા.

ગાંધીનગરમાં સવારે ૧૦:૩૦ કલાકે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાવા જઈ રહી છે. આજની આ બેઠકમાં રાજ્યના મહત્વના અને પ્રાથમિક પ્રશ્નોને લઈને ચર્ચા કરવામાં આવશે. મહત્વનું છે કે, ગાંધીનગર ખાતે દર બુધવારે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાય છે, પરંતુ ગઈકાલે વાયબ્રન્ટ ગુજરાત સમિટને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલની મુંબઈમાં ઉદ્યોગકારો સાથે બેઠક હોવાને કારણે કેબિનેટની બેઠક ગુરુવારે યોજવાનું નક્કી કરાયું હતું.

સીએમની અધ્યક્ષતામાં યોજાનાર કેબિનેટની બેઠકમાં ૧૪મી ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનારી ભારત પાકિસ્તાનની મેચની સુરક્ષાની સમીક્ષા કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે, શનિવારે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. જેથી સ્ટેડિયમમાં અને તેની આસપાસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો અમદાવાદના સંવેદનશીલ વિસ્તારોમાં પણ પોલીસને પેટ્રોલિંગ વધારી દેવાની સૂચના આપવામાં આવી છે. આજની બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવશે.

આજની બેઠકમાં ૧૫મી ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા નવરાત્રીના પર્વને લઈને પણ ચર્ચા કરવામાં આવશે. નવરાત્રીમાં આરોગ્યલક્ષી કામગીરી બાબતે ચર્ચા કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે નવરાત્રી પહેલા જ અનેક વિસ્તારોમાંથી ગરબાની પ્રેક્ટિસ દરમિયાન હાર્ટ એટેકથી મોતના બનાવો સામે આવી ચૂક્યા છે. ત્યારે આજની કેબિનેટની બેઠકમાં ૧૦૮ની ટીમોને ક્યાં ડિપ્લોય કરવી તે બાબતની પણ ચર્ચા કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *