ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર

ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાની તારીખો GSEBએ કરી જાહેર, ધો- ૧૦ અને ૧૨ની પરીક્ષા ૧૧મી માર્ચથી ૨૬મી માર્ચ સુધી ચાલશે.

ગુજરાત બોર્ડની ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર થઈ ગઈ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. જે મુજબ ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષા ૧૧ માર્ચથી ૨૬ માર્ચ ૨૦૨૪ દરમિયાન લેવાશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડાન સચિવ એન.જી વ્યાસ દ્વારા જાહેર કરવામાં આવેલ અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે. ધોરણ ૧૦ (SSC), સંસ્કૃત પ્રથમા અને ધોરણ ૧૨ (HSC) વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત માધ્યમના ઉમેદવારોની માર્ચ- ૨૦૨૪ ની પરીક્ષા તારીખ ૧૧/૦૩/૨૦૨૪ થી તારીખ ૨૬/૦૩/૨૦૨૪ દરમિયાન લેવામાં આવશે.

ગુજરાત રાજ્યમાં ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ વધારાયું છે, વર્ણનાત્મક પ્રશ્નોમાં પણ આંતરિક વિકલ્પને બદલે તમામ પ્રશ્નોમાં જનરલ વિકલ્પ અપાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે જાહેર કરેલી નેશનલ એજ્યુકેશન પોલિસી ૨૦૨૦ અન્વયે આ નિર્ણયો મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં કરવામાં આવ્યા હતા.

ધો-૧૦ અને ધો-૧૨ સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ હાલ ૨૦ % છે તેને બદલે ૩૦ % અને વર્ણનાત્મક પ્રશ્નોનું પ્રમાણ ૮૦ % ને બદલે ૭૦ % કરવામાં આવશે એટલું જ નહિં વર્ણનાત્મક પ્રશ્નોમાં આંતરિક વિકલ્પને બદલે તમામ પ્રશ્નોમાં જનરલ વિકલ્પ અપાશે. ધો-૧૨ વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષામાં ૫૦ % MCQ (0MR) યથાવત રાખવા તેમજ ૫૦ % વર્ણનાત્મક પ્રશ્નોમાં આંતરિક વિકલ્પને બદલે તમામ પ્રશ્નોમાં જનરલ વિકલ્પ આપવાનો નિર્ણય પણ આ બેઠકમાં કરવામાં આવ્યો હતો. આ નિર્ણયોનો અમલ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ થી કરવામાં આવશે. શિક્ષણ વિભાગ દ્વારા આ સંદર્ભના જરૂરી ઠરાવો બહાર પાડવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *