અમદાવાદમાં પોલીસની હાજરીમાં કીર્તિ પટેલે મહિલાને માર્યો માર, મહિલાએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ સહિત ચાર સામે નોંધાવી ફરિયાદ.
ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. અમદાવાદની મહિલાને ઘરમાં ઘુસીને માર મારવા મામલે કીર્તિ પટેલ સહિત ચાર લોકો વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. હાલ વસ્ત્રાપુર પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલા ગોયલ પાર્કમાં રહેતા રમીલાબેન મકવાણાના લગ્ન રામનિવાસ અગ્રવાલ સાથે વર્ષ ૨૦૧૪ માં થયા હતા. જોકે, પતિ સાથે મનમેળ ન રહેતા તેઓએ ૨૦૧૯ માં છૂટાછેડા લઈ લીધા હતા. જોકે, છૂટાછેડા બાદ પતિ એકલો રહેતો હોવાથી રમીલાબેન તેમની સાથે રહીને તેમની સેવા કરતા હતા.
કીર્તિ પટેલ અને ગુડ્ડી પટેલ નામની યુવતીઓ સહિત ૪ લોકો તેમના ઘરે આવ્યા હતા અને તેમને ઘરમાંથી બહાર નીકળી જવાની ધમકી આપી હતી. જે બાદ કીર્તિ પટેલ અને ગુડ્ડી પટેલ સહિત તેમના મિત્રોએ રમીલાબેનને માર માર્યો હતો. જેથી મહિલાએ તાત્કાલિક પોલીસને ફોન કરીને બોલાવી લીધી હતી.
વસ્ત્રાપુર ગોયલ પાર્કના એક ફ્લેટમાં પોલીસની હાજરીમાં આ તમામે રમીલાબેન સાથે મારામારી કરી હતી. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે કીર્તિ પટેલે પોલીસની હાજરીમાં જ મહિલાને લાફો ઝીંકી દીધો.
મારામારી કર્યા બાદ આ તમામ ત્યાંથી ચાલ્યા ગયા હતા. જે બાદ મહિલા સીધી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી. આ મામલે કીર્તી પટેલ, ગુડ્ડી પટેલ, વિરમ ભરવાડ અને મુકેશ ચૌધરી સામે ફરિયાદ નોંધાવી હતી.