રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ સાથે ફોન પર વાત કરી હતી. પુતિને કહ્યું કે રશિયા ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેના સંઘર્ષને સમાપ્ત કરવામાં મદદ કરવા માટે તૈયાર છે.
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. પરંતુ આ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ સાથે ફોન પર વાત કરી હતી. પુતિને કહ્યું કે રશિયા ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેના સંઘર્ષને સમાપ્ત કરવામાં મદદ કરવા તૈયાર છે. આ સિવાય તે રાજકીય અને રાજદ્વારી માધ્યમો દ્વારા શાંતિપૂર્ણ ઉકેલ શોધવા માટે કામ કરવા તૈયાર છે. રશિયાના ક્રેમલિને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “વ્લાદિમીર પુતિને નેતન્યાહૂને પરિસ્થિતિને સામાન્ય બનાવવા, હિંસા વધતા અટકાવવા અને ગાઝા પટ્ટીમાં માનવતાવાદી વિનાશને રોકવા માટે લઈ રહેલા પગલાઓ વિશે માહિતી આપી હતી.”
રશિયાના ક્રેમલિને કહ્યું કે, ‘આ પહેલા સોમવારે પુતિને ઈરાન, ઈજિપ્ત, સીરિયા અને પેલેસ્ટાઈનના નેતાઓ સાથે યુદ્ધ અંગે ચર્ચા કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે નાગરિકો વિરુદ્ધ કોઈપણ પ્રકારની હિંસા સ્વીકાર્ય નથી. રશિયાના ઈરાન અને મોટી આરબ શક્તિઓ સાથે સંબંધો છે. આ સિવાય તેના ઈઝરાયેલ સાથે પણ કનેક્શન છે. પુતિન વારંવાર કહી ચૂક્યા છે કે આ તણાવ પાછળ અમેરિકા છે. હમાસ અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ પુતિને કહ્યું હતું કે આ અમેરિકાની નિષ્ફળતાનું ઉદાહરણ છે.
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન બુધવારે ઈઝરાયેલની મુલાકાત લેશે. મંગળવારે આ માહિતી આપતાં US સ્ટેટ સેક્રેટરી એન્ટની બ્લિંકને જણાવ્યું હતું કે, તેમની એકતા મુલાકાત હમાસ સાથે ચાલી રહેલી લડાઈ વચ્ચે થશે. જેમાં તેઓ જોર્ડન અને ઇજિપ્તની પણ મુલાકાત લેશે અને ત્યાંના રાષ્ટ્રાધ્યક્ષોને મળશે. આ સાથે તેમણે કહ્યું કે, ઈઝરાયેલ અને વોશિંગ્ટન ગાઝાને મદદ માટે એક યોજના વિકસાવવા માટે સહમત થયા છે. આ તરફ હવે એવા સમાચાર સામે આવ્યા છે કે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ચીન પહોંચી ગયા છે.