ચંદ્ર પર ચંદ્રયાન ઉતાર્યાં બાદ હવે ભારત ચંદ્ર પર માનવોના ઉતરાણનો પ્લાન બનાવી રહ્યો છે અને તેને માટેની ડેડલાઈન પણ આવી ગઈ છે.
ચંદ્રના સાઉથ પોલ પર પહેલી વાર અવકાશયાન ઉતારીને તથા સૂર્ય માટેના આદિત્ય મિશનને લોન્ચ કર્યાં બાદ ભારતને સ્પેશમાં વધારે પગપેસારો કરવાનો નિર્ણય કર્યો છે અને હવે ભારત સ્પેસની દિશામાં એક મોટું કામ કરવા જઈ રહ્યું છે.
સરકારે મંગળવારે એવું જણાવ્યું કે ભારતે ૨૦૪૦ સુધીમાં ચંદ્ર પર અવકાશયાત્રી મોકલવાનું લક્ષ્ય રાખ્યું છે કારણ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અવકાશ વિભાગને સૂચનાઓ જારી કરી હતી જેમાં ૨૦૩૫ સુધીમાં સ્પેસ સ્ટેશનની યોજના શામેલ છે. સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “વડા પ્રધાને નિર્દેશ આપ્યો હતો કે ભારતે હવે નવા અને મહત્વાકાંક્ષી લક્ષ્યો માટે લક્ષ્ય રાખવું જોઈએ, જેમાં ૨૦૩૫ સુધીમાં ‘ભારતીય અંતરીક્ષા સ્ટેશન’ (ભારતીય અવકાશ મથક) ની સ્થાપના અને ૨૦૪૦ સુધીમાં પ્રથમ ભારતીયને ચંદ્ર પર મોકલવાનો સમાવેશ થાય છે. પીએમ મોદીએ વૈજ્ઞાનિકોને શુક્ર અને મંગળના મિશન પર કામ કરવાની પણ અપીલ કરી છે.
ચંદ્ર પર માનવ મોકલવા અને સ્પેસ સ્ટેશન ઊભું કરવાના વિઝનને સાકાર કરવા અંતરિક્ષ વિભાગ ચંદ્રના સંશોધન માટે એક રોડમેપ તૈયાર કરશે.