રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ ૨૦૨૩: કૃતિ સેનનની સાથે આલિયા ભટ્ટને પણ બેસ્ટ અભિનેત્રીનો નેશનલ એવોર્ડ મળ્યો. અલ્લુ અર્જુનને બેસ્ટ અભિનેતાનો એવોર્ડ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ એ કલાકારોને સન્માનિત કર્યા.
૬૯ મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારંભ ૨૦૨૩ અપડેટ્સ :- ૬૯ મો નેશનલ ફિલ્મ એવોર્ડસ સમારંભ ૧૭ ઓક્ટોબરના રોજ વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે યોજાયો હતો. આલિયા ભટ્ટને ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મમાં તેના અભિનય માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે આલિયા ભટ્ટ પોતાના લગ્નની સાડી પહેરીને પહોંચી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ તરફથી સન્માન મળ્યા બાદ તે ખૂબ જ ખુશ દેખાઈ રહી હતી.
તમને જણાવી દઈએ કે નેશનલ ફિલ્મ એવોર્ડસ માટે સેલેબ્સના નામની જાહેરાત ઘણા સમય પહેલા કરવામાં આવી હતી. આલિયા ભટ્ટની સાથે કૃતિ સેનનને પણ બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ એવોર્ડ મળ્યો છે. અલ્લુ અર્જુનને બેસ્ટ અભિનેતા તરીકે રાષ્ટ્રપતિએ આ સન્માનથી નવાજ્યા હતા. આ દરમિયાન પીઢ અભિનેત્રી વહીદા રહેમાનને દાદાસાહેબ ફાળકે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો હતો.
દાદા સાહેબ ફાળકે એવોર્ડ મળ્યા બાદ વહીદા રહેમાન ખૂબ જ ભાવુક જોવા મળ્યા હતા. તેમની સાથે કામ કરનારા તમામ સહ-અભિનેતાઓ, ટેકનિશિયનો, દિગ્દર્શકો, સંગીતકારો અને ચાહકોનો આભાર માનતાં તેમણે કહ્યું કે જો તેઓ ન હોત તો કદાચ આજે તેમને આ સન્માન ન મળ્યું હોત.