પોલીસ અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા ગુજરાતના શહેરોમાં અનૈતિકતા ૭૦૦ થી વધુ ઠેકાણાઓ પર કાર્યવાહી કરવામાં આવી, અમદાવાદમાં ૨૪ કલાકમાં ૩૫૦ જેટલા સ્પા સેન્ટરમાં તપાસ.
ગુજરાતમાં અનેક સ્થળો પર સ્પાની આડમાં ચાલતા ગોરખધંધા પર પોલીસે તવાઈ બોલાવી છે. વાત જાણે એમ છે કે, ગુજરાતની અલગ-અલગ પોલીસની ટીમોએ સ્પા સેન્ટરોમાં દરોડા પાડ્યા હતા. મહત્વનું છે કે, પોલીસ અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા ગુજરાતના શહેરોમાં અનૈતિકતા ૮૦૦ થી વધુ ઠેકાણાઓ પર કાર્યવાહી કરવામાં આવી છે. આ તરફ રાજ્ય વ્યાપી સ્પા સેન્ટોરોમાં પોલીસના દરોડા વચ્ચે અમદાવાદમાં ૧૦ PI-૫૬ PSIની બદલીનો આદેશ પણ કરવામાં આવ્યો છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૮૫૧ સ્પા સેન્ટર પર પોલીસના દરોડા પડ્યા છે. દરોડા પાડીને પોલીસે અત્યાર સુધી ૧૦૫ લોકોને ઝડપ્યા છે. આ સાથે રાજ્યભરના વિવિધ પોલીસ સ્ટેશનમાં ૧૦૩ ગુના નોંધાયા છે. મહત્વનું છે કે, ગૃહરાજ્ય મંત્રીના આદેશ બાદ રાજ્યભરમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં પોલીસ અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની સ્પા સેન્ટર પર કાર્યવાહી કરવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં સ્પા સેન્ટરની તપાસ કરાઇ છે. જેમાં ખાસ કરી અમદાવાદમાં ૨૪ કલાકમાં ૩૫૦ જેટલા સ્પા સેન્ટરમાં તપાસ કરાઇ છે. આ સાથે જાહેરનામા ભંગની ૯ ફરીયાદ નોંધી ૮ લોકોની ધરપકડ પણ કરાઈ છે. આ તરફ ફરિયાદને લઈને ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ કરી છે.
થાઈ સ્પાના નામે મોટા શહેરોમાં સ્પાનો ધંધો જબરજસ્ત મોટો થયો છે. ક્યાંક આયુર્વેદના નામ નીચે સ્પા અને મસાજનો ધંધો ફુલ્યો ફાલ્યો છે. રોડ પર જ સ્પાના પાટીયા ઝુલે છે, અંદર શું ચાલે છે તેની બધાને જાણ છે. વગવાળા લોકો સ્પાનો ધંધો કરે છે, છુપી રીતે એવા લોકોના પૈસા લાગેલા છે. પોલીસને એક સમજણથી સાચવી લેવાય છે, ક્યાંક ઉચ્ચ અધિકારીઓના પૈસા છે. પાછલા બારણે ફાયનાન્સ થાય છે અને નામ બીજા કોઈનું સામે હોય છે. મજબૂર મહિલાઓ પાસેથી સ્પાના નામે અનૈતિક કામો પણ કરાવાય છે. આવી મહિલાઓ, યુવતીઓ ફરિયાદ ક્યાં કરવા જાય તે સૌથી મોટી મુંઝવણ હોય છે. સ્પાના ધંધામાં તમામ ખુશ એવી સ્થિતિ હોવાથી ધંધો ખૂબ મોટો થયો છે. પૈસા રોકનારાનું નામ ક્યાંય આવતું નથી અને નફો મોટો છે એટલે રોકનારા વધુ છે. આ ધંધામાં યુવતીઓ, મહિલાઓ આખા ભારતમાંથી મોટા શહેરોમાં આવે છે. કોઈ મોટી મશીનરી નહી, ટેકનોલોજી નહી એટલે ધંધો પણ સરળ છે. સ્પાના ધંધાને પ્રોટેક્શન કરનારા વગદાર લોકો છે એટલે રોકાણ પણ સુરક્ષિત છે.
એક એવો ધંધો જેમાં બધા ખુશ!
- બિલ્ડરને તેની જગ્યાનું નિશ્ચિત ભાડૂ મળી જાય એટલે બિલ્ડર ખુશ
- પોલીસને એની સમજણ અને વજુદ પ્રમાણે ભાગ મળી જાય એટલે એ ખુશ
- અધિકારીઓના પૈસા લાગે પણ નામ એમનું ન આવે અને નફો મળે એટલે એ ખુશ
- ચલાવનારને સ્પા મેનેજ જ કરવાનું હોય છે જેનું રોકાણ ઝીરો હોય છે એટલે એ ખુશ