પાંચ રાજ્યોમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પ્રવૃત્તિઓ તીવ્ર બની છે. મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીને માટે જાહેરનામું બહાર પાડવામાં આવશે. રાજ્યની તમામ ૨૩૦ વિધાનસભા સીટો પર ૧૭ નવેમ્બરે મતદાન થશે. જ્યારે ૩ ડિસેમ્બરે વોટની ગણતરી કરાશે.
ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીઓએ પૂરી તૈયારી કરી લીધી છે. આ સાથે જ મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણી માટે આજે ઉમેદવારોના ઉમેદવારી પત્રોની ચકાસણી કરાશે. ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે ૧૪૪ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી. મુખ્યમંત્રી જોરામથાંગાએ આઈઝોલ ઈસ્ટથી ઉમેદવારી પત્ર ભર્યું. જ્યારે ૧૦ થી વધુ મહિલા ઉમેદવારોએ પણ ઉમેદવારી પત્ર ભર્યું છે. ૪૦ સભ્યોની મિઝોરમ વિધાનસભાની ચૂંટણી માટે ૭ નવેમ્બરે મતદાન થશે.
આ વખતે મિઝોરમની ચૂંટણી બહુકોણીય હરીફાઈને જોતા ઘણી રસપ્રદ માનવામાં આવી રહી છે. આ વખતે, ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, સત્તારૂઢ મિઝો નેશનલ ફ્રન્ટ, જોરમ પીપલ્સ મૂવમેન્ટ સિવાય આમ આદમી પાર્ટી પણ ચૂંટણીના મેદાનમાં છે. આ ઉપરાંત અપક્ષ ઉમેદવારો પણ ચૂંટણી મેદાનમાં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.