વિરમગામ ધારાસભ્ય હાર્દિક પટેલ ૨૦૧૫ ના કેસ મામલે બિનજામીનપત્ર ધરપકડ વોરંટ ગુજરાત હાઈકોર્ટે રદ કર્યું છે.
ગુજરાત હાઈકોર્ટે ૧૬ ઓક્ટોબરના રોજ અમદાવાદની એક કોર્ટ દ્વારા ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ વિરુદ્ધ અમદાવાદ શહેરના ડિટેકશન ઓફ ક્રાઈમ બ્રાન્ચ (DCB) પોલીસ સ્ટેશનમાં રાજ્યભરમાં આંદોલન મામલે ૨૦૧૫ ની એફઆઈઆરના સંબંધમાં જાહેર કરાયેલ ધરપકડ વોરંટના આદેશને ફગાવી દીધો હતો.
૨૦૨૦ માં ટ્રાયલ દરમિયાન તે કોર્ટમાં હાજર રહેવામાં નિષ્ફળ જતાં અમદાવાદ શહેરની સેશન્સ કોર્ટે બિનજામીનપાત્ર ધરપકડ વોરંટ જાહેર કર્યું હતું. જ્યારે પટેલે તે દિવસે કોર્ટમાં હાજર રહેવાની મુક્તિ માટે અરજી કરી હતી, તે નકારી કાઢવામાં આવી હતી. અને તેની સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું હતું. તે આ કેસમાં રાજદ્રોહ અને ગુનાહિત ષડયંત્રના આરોપોનો સામનો કરી રહ્યો છે.
ધરપકડ વોરંટ રદ કરતી વખતે, ન્યાયાધીશ સંદીપ ભટ્ટની અદાલતે ધ્યાનમાં લીધું હતું કે, ફરિયાદી પક્ષ ધરપકડ વોરંટને રદ કરવા માટે સંમત છે અને એ હકીકત પણ છે કે, રાજદ્રોહ કાયદો સુપ્રીમ કોર્ટમાં પડકાર અને વિચારણા હેઠળ છે.
૨૦૨૨ માં ભાજપ તરફથી વિરમગામની ઉમેદવારી નોંધાવી તે સમયે ૨૯ વર્ષીય હાર્દિક પટેલ પર ૨૦ ફોજદારી કેસ પેન્ડિંગ હતા. ૨૦૧૫ માં જ્યારે હાર્દિક પટેલે પાટીદાર અનામત આંદોલનનું નેતૃત્વ કર્યું ત્યારે તેની સામે આ કેસ નોંધાયા હતા. આ ૨૦ કેસમાંથી નવ કેસમાં બે વર્ષ કે તેથી વધુની સજા થઈ છે. સુરત અને અમદાવાદમાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન તેમની સામે નોંધાયેલા ૨૦ માંથી બે કેસ રાજદ્રોહના કેસ છે. આ સિવાય હાર્દિક પટેલ સામે ૧૧ ફોજદારી કેસ પેન્ડિંગ છે જેમાં બે વર્ષથી ઓછી સજા થઈ છે.