આજે ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ, ન્યૂઝીલેન્ડ સામેની મેચ પહેલા ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માની વધી મુશ્કેલીઓ.
ભારતીય ટીમ આજે ODI વર્લ્ડ કપ ૨૦૨૩ માં તેની પાંચમી મેચ રમવા માટે મેદાનમાં ઉતરશે. આ મેચ ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સામે રમાશે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ બપોરે ૦૨:૦૦ વાગ્યે શરૂ થશે. અત્યાર સુધીમાં ભારત અને ન્યૂઝીલેન્ડ બંને ટીમ આ વર્લ્ડ કપમાં એકપણ મેચ હારી નથી. બંને વિજય રથ પર સવાર છે. આવી સ્થિતિમાં આજે કોનો વિજય રથ અટકે છે તે જોવાનું રહેશે. જે પણ ટીમ આ મેચ જીતશે તે ૧૦ પોઈન્ટની સાથે ટેબલમાં ટોચ પર પહોંચશે અને સેમીફાઈનલની ઘણી નજીક પહોંચી જશે.
ન્યૂઝીલેન્ડ સામેની મેચ પહેલા ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા માટે ઘણી મુશ્કેલીઓ ઉભી થઈ છે. બાંગ્લાદેશ સામે રમાયેલી મેચમાં સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થયા હતા, જેઓ આ મેચ નહીં રમે. હાર્દિક પંડ્યાની જગ્યાએ સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ અથવા ઈશાન કિશનને પ્લેઈંગ-૧૧ માં તક મળી શકે છે.