મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: મહેસાણાના બહુચરાજીના સાત ગામોની ૮૨૫ હેક્ટર જમીનનો બહુચરાજી વિસ્તાર વિકાસ મંડળમાં સમાવેશ, બહુચરાજી અને આસપાસના ઔદ્યોગિક-વાણિજ્યિક એકમોને પ્રોત્સાહન મળશે.
મહેસાણાના પ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ બહુચરાજી અને તેના આસપાસના વિસ્તારનો આર્થિક અને સુવિધાકીય વિકાસ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે બહુચરાજી તાલુકાના સાત ગામોની ૮૨૫ હેક્ટર જમીનનો બહુચરાજી વિસ્તાર વિકાસ મંડળમાં સમાવેશ કર્યો છે. બહુચરાજી તાલુકા અને તેની નજીક આવેલા અમદાવાદ, સુરેન્દ્રનગર અને પાટણ જિલ્લાના ઔદ્યોગિકરણને ધ્યાનમાં રાખી ગુજરાત સરકારે આ નિર્ણય લીધો છે.
બહુચરાજી અને તેના આસપાસના વિસ્તારમાં મારુતિ અને હોન્ડા જેવી મોટી કંપનીઓ ઉપરાંત 40થી વધુ કંપનીઓ નિર્માણ પામેલી છે. આથી બહુચરાજીમાં રહેણાંક અને ધંધાકીય સ્થળો ખૂબ જ વધી ગયા છે અને તેની સામે જરૂરી માળખાકીય સુવિધાઓનું અસ્તિત્વ જ નથી. આ કારણે રસ્તા, પાણી, ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઈટો, બાગ બગીચા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા ગુજરાત સરકારે બહુચરાજી વિસ્તાર વિકાસ સત્તા મંડળ બનાવવાનો નિર્ણય કરાયો છે.