રાજસ્થાનમાં ઈડીના તાજેતરના દરોડા અંગે વિવાદ વધી ગયો, ખડગેએ કહ્યુંં- ભાજપ કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓને ડરાવવા માગે છે.
દેશના ૫ રાજ્યોમાં ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા, મિઝોરમ અને રાજસ્થાનમાં આ મામલે રાજકારણ ગરમાયું છે. દરમિયાન રાજસ્થાનમાં ઈડીના તાજેતરના દરોડા અંગે વિવાદ વધી ગયો છે. વિપક્ષી દળો પહેલાંથી જ મોદી સરકાર કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગનો આરોપ લગાવે છે. હવે તાજેતરની કાર્યવાહીને લઈને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગે ભાજપ પર ભડક્યાં છે.
કોંગ્રેસ આ દરોડાની ડરવાની નથી અને ભાજપ યાદ રાખે કે એક દિવસ તેણે પણ ભોગવવાનો વારો આવશે. ખડગેએ કહ્યું કે ભાજપ ગેહલોતની ચૂંટણીને બરબાદ કરી નાખવા માગે છે અને કોંગ્રેસના કાર્યકરો તથા નેતાઓને ભયભીત કરવા માગે છે. તે હંમેશા આવું કરે છે પણ અમે તેનાથી ડરવાના નથી અને મજબૂત રીતે તેમનો સામનો કરીશું. તેઓ જે કંઈ કરી રહ્યા છે તે યોગ્ય નથી.
દરમિયાન ખડગેએ મોટું નિવેદન આપતાં કહ્યું કે અમે 50 વર્ષથી રાજકારણ કરી રહ્યા છીએ પણ ચૂંટણી દરમિયાન ક્યારેય ઈડી, સીબીઆઈના દરોડાની કાર્યવાહી થઈ નથી પણ આજે થઈ રહી છે કેમ કે તે સીએમથી ડરી ગયા છે પણ એક દિવસે તેમણે આ બધું સહન કરવું પડશે.