અમદાવાદમાં મકરબા તેમજ સરખેજમાં AMC ની ઢોર પકડનાર CNCD ની ટીમ પર કેટલાક લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે આ સમગ્ર મામલે સરખેડ પોલીસ મથકે ૬ લોકો તેમજ મકરબા પોલીસ મખતે 8 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતી.
ગુજરાતમાં રખડતા ઢોરનાં કારણે થઈ રહેલ મોત બાબતે હાઈકોર્ટેની ફટકાર દ્વારા તંત્ર એક્શન મોડમાં આવ્યું હતું. ત્યારે તાજેતરમાં જ હાઈકોર્ટે શહેરી વિકાસ વિભાગ, અમદાવાદ મ્યુનિ. કમિશ્નર અને અમદાવાદ ટ્રાફિક એડિશનલ પોલીસ કમિશ્નરનો ઉઘડો લીધો હતો. જે બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું. ત્યારે ગત રોજ અમદાવાદનાં સરખેજ વિસ્તરામાં મોડી રાત્રે ઢોર પકડવા ગયેલ ટીમ પર કેટલાક શખ્સો દ્વારા લાકડીઓ વડે હુમલો કર્યો હતો. જે બાદ સરખેજ પોલીસ મથકે ૬ લોકો સામે ફરિયાદ નોંધાવા પામી હતી.
અમદાવાદનાં મકરબા પ્રાથમિક શાળા પાસે ઢોર પકડવા ગયેલ AMC ની ટીમ પર હુમલો કરતા CNCD વિભાગનાં ૨ કર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા. જેઓને ગંભીર ઈજાઓ થતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા. ત્યારે આ સમગ્ર મામલે ૮ શખ્શો વિરૂદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી.
રાજ્ય સરકારે રખડતા ઢોર અંગે માર્ગદર્શિકા જાહેર કરી છે. રાજ્ય સરકાર દ્વારા મનપા તેમજ નપા વિસ્તાર માટે સરકારે માર્ગદર્શિકા જાહેર કરી રખડતા ઢોર માલિકો સામે કડક નિર્ણય લીધો છે. જેમાં રાજ્યની દરેક મનપા તેમજ નપા વિસ્તારમાં ઢોરનું રજીસ્ટ્રેશન ફરજિયાત કર્યું છે. તેમજ મનપા અને નપાએ પશુઓમાં ટેગ લગાવવાની કામગીરી કરવી પડશે. તેમજ પરમિશન માટે નિશ્ચિત ચાર્જ ભરવો પડશે. તેમજ જાહેર રસ્તાઓ પર ઘાસ વેચાણ અને ખવડાવવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે અને રજીસ્ટ્રેશન વગરનાં ઢોર જો રસ્તા પર રખડતા પકડાશે તો ઢોરને જપ્ત કરાશે.
રાજ્યમાં રખડતા ઢોરને લીધે ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. જેને લઈ રાજ્ય સરકાર દ્વારા આજે મહાનગર પાલિકા તેમજ નગરપાલિકા હદ વિસ્તારમાં કડક પણે માર્ગદર્શિકાનું પાલન કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. તેમજ માર્ગદર્શિકામાં ઢોર માલિક કેટલા ઢોર રાખી રહ્યા છે. તે અંગેની માહિતી રજૂ કરવાની રહેશે અને રજીસ્ટ્રેશન કરાવવું તેમજ ટેગ લગાવવાનું ફરજીયાત કરાયું છે. તેમજ જાહેર રસ્તાઓ પર ઘાસ વેચાણ અને ખવડાવવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. હવે રાજ્યમાં માર્ગદર્શિકાનું કેટલું પાલન થાય છે તે હવે જોવાનું રહ્યું.