જમ્મુ કાશ્મીર એન્કાઉન્ટર: અધિકારીઓએ આપેલી માહિતી મુજબ સુરક્ષાદળોએ બે આતંકીઓને ઘેરી લીધા છે અને ભીષણ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.
જમ્મુ-કાશ્મીરના રાજૌરીથી ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. આતંકીઓ સાથે ચાલી રહેલા એન્કાઉન્ટરમાં ભારતીય સેનાના બે કેપ્ટન, એક મેજર અને એક હવાલદાર શહીદ થયા છે. સમાચાર એજન્સી પીટીઆઈ દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ આ એનકાઉન્ટર ધર્મશાલના બાજીમલ વિસ્તારમાં ભારતીય સેના અને જમ્મુ કાશ્મીર પોલીસના સર્ચ ઓપરેશન દરમિયાન શરૂ થયું હતું.
અધિકારીઓએ આપેલી માહિતી મુજબ સુરક્ષાદળોએ બે આતંકીઓને ઘેરી લીધા છે અને ભીષણ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે આતંકીઓને મારવા માટે વધુ સૈનિકો મોકલવામાં આવ્યા છે.
સ્થાનિકોએ પીટીઆઈને જણાવ્યું હતું કે આ વિસ્તારમાં સક્રિય આતંકવાદીઓને શોધી કાઢવા માટે રવિવારથી કોર્ડન અને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. એક ગામવાસીએ કહ્યું કે આ અભિયાનને કારણે તેમને ઘરની અંદર જ રહેવાનું અને બહાર ન જવાનું કહેવામાં આવ્યું હતું. આ કારણે બાળકો આજે શાળાએ ગયા ન હતા.
ભારતીય સેનાએ એક્સના માધ્યમથી આપેલી જાણકારી અનુસાર ગુપ્તચર ઇનપુટના આધારે ૧૯ નવેમ્બરે રાજૌરીના કાલાકોટ વિસ્તારમાં ગુલાબગઢ જંગલમાં પોલીસ સાથે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ૨૨ નવેમ્બરના રોજ આતંકીઓને શોધી કાઢવામાં આવ્યા હતા અને આ પછી એન્કાઉન્ટર શરૂ થયું હતું. ભારતીય સેનાએ કહ્યું કે આ એન્કાઉન્ટરમાં આતંકીઓ ઇજાગ્રસ્ત થયા છે અને સુરક્ષાદળોએ તેમને ઘેરી લીધા છે. ઓપરેશન હજુ પણ ચાલુ છે.