ભારતના સૈન્ય તાકાતમાં વધારો કરવા માટે સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભારતમાં સૈન્ય અને સંરક્ષણ ઉત્પાદનને મોટા પ્રોત્સાહનરૂપે, DACની બેઠકે ૯૭ તેજસ એરક્રાફ્ટ અને ૧૫૬ પ્રચંડ એટેક હેલિકોપ્ટરને ખરીદવાની મંજૂરી આપી છે. બંને એરક્રાફ્ટ સ્વદેશી રીતે વિકસિત છે અને સોદાની કિંમત ૧.૧ લાખ કરોડ રૂપિયા નક્કી કરવામાં આવી છે. ભારતીય વાયુસેના માટે તેજસ માર્ક ૧-એ ફાઈટર પ્લેન ખરીદવામાં આવી રહ્યા છે અને એરફોર્સ તેમજ આર્મી માટે હેલિકોપ્ટર ખરીદવામાં આવી રહ્યા છે. આ મંજૂરી મળતાની સાથે આ ભારતના ઇતિહાસમાં સ્વદેશી ઉત્પાદકો માટેનો સૌથી મોટો ઓર્ડર છે.
પહેલાથી જ ભારતીય વાયુસેના દ્વારા તેજસ Mk1 જેટના બે સ્ક્વોડ્રનનું સંચાલન કરવામાં આવે છે, જેમાં પ્રારંભિક અને અંતિમ ઓપરેશનલ ક્લિયરન્સ વેરિઅન્ટમાં ૨૦ સ્ક્વોડ્રનનો સમાવેશ થાય છે. વડા પ્રધાન મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા પરની કેબિનેટ સમિતિની મંજૂરી બાદ, ૮૩ LCA MK1A વેરિઅન્ટ્સ માટે યુએસ $૬ બિલિયનનો ઓર્ડર ફેબ્રુઆરી ૨૦૨૧માં HAL સાથે મૂકવામાં આવ્યો હતો, જેની ડિલિવરી ૨૦૨૪ સુધીમાં થશે. આનો ઉપયોગ ૧૯૬૦ ના દાયકાના સોવિયેત યુગના મિગ-૨૧ને બદલવા માટે કરવામાં આવશે. ૮૩ તેજસ ખરીદવા માટે રૂ. ૪૬,૬૯૮ કરોડના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે અને હવે એરફોર્સ વધુ ૯૭ તેજસ જેટ એરક્રાફ્ટ ખરીદવાની યોજના બનાવી રહી છે. જો પ્રસ્તાવ મંજૂર થશે તો ૧૮૦ તેજસ જેટનો સમાવેશ થશે.
૮૩-જેટ ઓર્ડરમાં LCA Mk1A ના સાત ટ્રેનર વેરિઅન્ટનો પણ સમાવેશ થાય છે. આ રીતે, તેજસ એરક્રાફ્ટનો આ સેટ ભારતીય વાયુસેનાના ઓછામાં ઓછા ચાર ફાઇટર સ્ક્વોડ્રનને સજ્જ કરવા માટે પૂરતો હશે. ૯૭ તેજસ જેટ ખરીદવાની મંજૂરી સાથે તેજસ એરક્રાફ્ટ અન્ય પાંચ ફાઈટર સ્ક્વોડ્રન માટે પૂરતા છે. આમ, તેજસ આગામી વર્ષોમાં ભારતીય વાયુસેનાની લડાયક શક્તિનો એક મહત્વપૂર્ણ ભાગ બનશે, જેમાં ૪૨ મંજૂર ફાઇટર સ્ક્વોડ્રનમાંથી ઓછામાં ઓછા દસ સ્વદેશી ફાઇટર જેટનું સંચાલન કરશે.
તેજસ જેટ ખરીદવા માટે ઘણા દેશો છે તત્પર
આર્જેન્ટિના, નાઇજીરિયા, ફિલિપાઇન્સ અને ઇજિપ્ત જેવા દેશોને તેજસ જેટ ખરીદવામાં રસ છે જે બાબતે HAL તેજસના નિકાસની શક્યતાઓ શોધી રહી છે. તેજસની વિશેષતાઓથી તે દેશ ખૂબ પ્રભાવિત છે, પરતું હજુ સુધી કોઈ દેશ તરફથી કોઈપણ પ્રકારની ડીલ ફાઈનલ થઇ નથી. આર્જેન્ટિનાના સંરક્ષણ પ્રધાન જોર્જ ટેનાએ HAL ખાતે તેજસ જેટની વિશેષતાઓની સમીક્ષા કરી હતી. જો કે, એવા અહેવાલો છે કે આર્જેન્ટિના સાઉથ અમેરિકાના F-૧૬ થી વધુ પ્રભાવિત છે અને તેના માટે સોદો પણ કરી શકે છે.
તેજસની વિશેષતાઓ
– એલ્યુમિનિયમ, લિથિયમ એલોય, કાર્બન ફાઇબર કમ્પોઝીટ અને ટાઇટેનિયમ એલોય સ્ટીલની બોડી ધરાવે છે
– તેજસ હળવા વજનના ફાઇટર એરક્રાફ્ટ છે
– તેનું વજન 6560 કિલો છે અને તે ૧.૬ Mach ની ઝડપે ઉડે છે
– લેન્ડિંગ અને ટેક ઓફ માટે ઓછી જગ્યાની જરૂર પડે છે
– તેમાં સ્થાપિત રડારને કારણે તે હવાથી હવામાં અને હવાથી જમીન પરના હુમલામાં અસરકારક છે
– તે તમામ પ્રકારના હવામાનમાં કામ કરી શકે છે અને તેના 50 ટકા સ્પેરપાર્ટસ ભારતમાં જ બનાવવામાં આવે છે.
પ્રચંડ હેલિકોપ્ટરની ખાસિયત
– આ હેલિકોપ્ટરને હિંદુસ્તાન એરોનૉટિક્સ લિમિટેડ (HAL) એ વિકસાવ્યુ છે.
– આમાં કેટલાય પ્રકારની મિસાઈલ અને હથિયાર લગાવી શકાય છે.
– હેલિકોપ્ટરમાં અનગાઈડેડ બોમ્બ અને ગ્રેનેડ લોન્ચર પણ લગાવી શકાય છે.
– લાઈટ કોમ્બેટ હેલિકોપ્ટર એક વારમાં સતત ૩ કલાક ૧૦ મિનિટ ઉડી શકે છે.
– આ ૬૫૦૦ ફૂટની ઉંચાઈ સુધી જઈ શકે છે.
– પ્રચંડ હેલિકોપ્ટર ૨૬૮ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડાન ભરી શકે છે.
– આની રેન્જ ૫૫૦ કિલોમીટર છે.
– આ હેલિકોપ્ટરની લંબાઈ ૫૧.૧૦ ફૂટ અને ઊંચાઈ ૧૫.૫ ફૂટ છે.