સીરપના જથ્થાને લઇ રાજ્યભરમાં પોલીસ દ્વારા દરોડાની કાર્યવાહી શરૂ

ખેડા સીરપકાંડમાં સત્તાવાર મૃત્યુઆંક ૬ ઉપર પહોંચ્યો છે. આ તરફ હવે રાજ્યભરની પોલીસ પણ આવી નશીલી અને પ્રાણઘાતક સીરપને લઈ પણ એક્શનમાં આવી.

સીરપકાંડ બાદ સીરપના જથ્થાને લઇ રાજ્યભરમાં પોલીસ દ્વારા દરોડાની કાર્યવાહી શરૂ કરાઇ છે. જેમાં બોટાદ, ભાવનગર, જામનગર, ગાંધીનગર, દ્વારકા, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં આ સંબંધિત કાર્યવાહી કરાઇ છે. મહત્વનું છે કે, ખેડા સીરપકાંડમાં સત્તાવાર મૃત્યુઆંક ૬ ઉપર પહોંચ્યો છે. આ તરફ હવે રાજ્યભરની પોલીસ પણ આવી નશીલી અને પ્રાણઘાતક સીરપને લઈ પણ એક્શનમાં આવી છે અને અલગ-અલગ જગ્યાએ કે જ્યાં આ પ્રકારની સીરપનું વેચાણ થતું હોય ત્યાં કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ખેડા સીરપ કાંડમાં હવે તપાસ જેમ જેમ તેજ બની રહી છે તેમ તેમ નવી અપડેટ સામે આવી રહી છે. આ તરફ હવે મૃતકોના પોસ્ટમોર્ટમ ન કરવા બદલ ૨ હોસ્પિટલોને નોટિસ આપવામાં આવી છે તો સિરપકાંડમાં સત્તાવાર મૃત્યુઆંક ૬ ઉપર પહોંચ્યો છે. ખેડા જિલ્લા પોલીસ દ્વારા સત્તાવાર માહિતી આપતા મૃત્યુઆંકમાં વધારો થયો છે. આ તરફ નશીલા સિરપકાંડ મામલે ૬ વ્યક્તિઓનાં મોત બાદ SITની રચના કરાઇ છે. આ બધાની વચ્ચે ખેડામાં વધુ એક વ્યક્તિને નશાકારક સિરપની અસર થઈ છે. જેને લઈ અસરગ્રસ્ત વ્યક્તિને અમદાવાદ સિવિલમાં ખસેડાયા છે. આ તરફ રાજ્યભરમાં આવી સિરપનું વેચાણ કરતાં સામે પણ કાર્યવાહી તેજ બની છે.

ગઢડામાં આઇસક્રીમના ગોડાઉનમાં સિરપનો જથ્થો ઝડપ્યો

સિરપકાંડ બાદ સિરપના જથ્થાને લઇ પોલીસ દ્વારા દરોડાની કાર્યવાહી શરૂ થઈ છે. જેમાં ગઢડા પોલીસે રાજ આઇસક્રીમના ગોડાઉનમાં સિરપનો જથ્થો ઝડપ્યો છે. વિગતો  મુજબ ૧૨ હજારની કિંમતની સિરપની ૮૦ બોટલ કબજે કરાઇ છે. જેને લઈ હવે પોલીસે ફરિયાદ દાખલ કરી સિરપનો જથ્થો તપાસ માટે FSLમાં મોકલ્યો હોવાનુ સામે આવ્યું છે.

ભાવનગરમાં ૬૦ બોટલ સિરપ તો જામનગરમાં ૯૬ બોટલ સીરપ જપ્ત

ભાવનગરમાં નશાકારક સિરપના વેચાણને અટકાવવા પોલીસ વિભાગ સતર્ક બન્યું છે. જેને લઈ પોલીસ દ્વારા જિલ્લામાં અલગ-અલગ જગ્યાએ દરોડા પાડી ૬૦ બોટલ સિરપ જપ્ત કરાઇ છે. ફરિયાદકા ગામમાં SOGએ દરોડા પાડી સિરપની ૨૮ બોટલ જપ્ત કરી તો ઘોઘારોડ પોલીસે દરોડા પાડી સિંધુનગરમાંથી ૩૦ થી વધુ સિરપની બોટલ ઝડપી હોવાનું સામે આવ્યું છે.

જામનગર એરફોર્સના ગેટ નંબર ૨ પાસેની દુકાનમાંથી કેફીપીણું ઝડપાયું છે. પાનની દુકાનમાંથી નશાકારક સિરપની ૯૬ બોટલ ઝડપાઈ છે. મહત્વનું છે કે, પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી હતી.

પોલીસની રાજ્યવ્યાપી સઘન તપાસ

નશીલા સિરપથી મોતને મામલે પોલીસની રાજ્યવ્યાપી સઘન તપાસ શરૂ થઈ છે. જેને લઈ ગાંધીનગર SOG, LCBએ શંકાસ્પદ દવાઓ ઝડપી પાડી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *