આજે બાબા બાલકનાથે લોકસભાના સાંસદ પદથી રાજીનામું આપી દીધું છે. તેમણે લોકસભાના સ્પીકર ઓમ બિરલાને રાજીનામું સોંપ્યું હતું. તેની સાથે એ વાતને પીઠબળ મળ્યું છે કે હવે તેઓ રાજસ્થાન મુખ્યમંત્રી બની શકે છે. તેઓ રાજસ્થાનની અલવર સીટથી સાંસદ હતા. તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં તે તિજારાથી ધારાસભ્ય બન્યા હતા. હવે એવી અટકળો થવા લાગી છે કે તેઓ સીએમ બની શકે છે.
રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે તેના કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદોને ચૂંટણી લડાવી હતી. ભાજપે ત્રણ કેન્દ્રીય મંત્રીઓ સહિત ૧૨ સાંસદોને વિધાનસભા ચૂંટણીના મેદાને ઉતાર્યા હતા. તેમાં ગણેશ સિંહ અને ફગ્ગન સિંહ ફુલસ્તે સિવાય ૧૦ સાંસદો જીતી ગયા. વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ સાંસદ સભ્યો હવે રાજીનામાં આપી રહ્યા છે. બુધવારે ૧૦ સાંસદો અને મંત્રીઓએ સાંસદ પદેથી રાજીનામું આપ્યું હતું.
રાજીનામું આપનારા સાંસદોમાં મધ્યપ્રદેશથી રાકેશ સિંહ, પ્રહ્લાદ પટેલ, રિતિ પાઠક, ઉદય પ્રતાપ સિંહ, નરેન્દ્ર સિંહ તોમર તથા રાજસ્થાનથી કિરોડીમલ મીણા, દીયા કુમારી, રાજ્યવર્ધન રાઠોર અને છત્તીસગઢથી ગોમતી સાઈ અને અરુણ સાવ સામેલ છે.