બ્રિટન-કેનેડા બાદ ઓસ્ટ્રેલિયાના વિઝા મેળવવું બનશે મુશ્કેલ, ભારતીય વિદ્યાર્થીઓ માટે કડક નિયમો

ઓસ્ટ્રેલિયાએ ૨ વર્ષમાં ઈમિગ્રેશન સંખ્યામાં અડધોઅડધ ઘટાડવાના લક્ષ્યાંકના ભાગરૂપે નિયમો કડક બનાવ્યા, ઓસ્ટ્રેલિયાએ ૨૦૦૨૨ – ૨૦૨૩ માં ઈમિગ્રેશનોની સંખ્યા રેકોર્ડ ૫.૧૦ લાખ નોંધાયા બાદ આ નિર્ણય લીધો.

બ્રિટન અને કેનેડાએ વિઝા નિયમો કડક બનાવ્યા બાદ હવે ઓસ્ટ્રેલિયાએ પણ પોતાના વિઝા નિયમો કડક બનાવ્યા છે. હવે આ ત્રણેય દેશોના વિઝા મેળવવામાં ભારતીયોને મુશ્કેલી પડી શકે છે. ઓસ્ટ્રેલિયાએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને કુશળ શ્રમિકો માટેના વિઝાના નિયમો કડક કરવાની જાહેરાત કરી છે. ઓસ્ટ્રેલિયાએ આગામી ૨ વર્ષમાં પ્રવાસીઓની સંખ્યામાં અડધો કરવાના લક્ષ્યાંકના ભાગરૂપે આ નિર્ણય લીધો છે. સમાચાર એજન્સી રોયટર્સના રિપોર્ટ મુજબ નવા નિયમોમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ એંગ્રેજી પરીક્ષામાં ઉચ્ચ રેટિંગ મેળવવાની જરૂર પડશે. ઉપરાંત જે વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયામાં લાંબા સમય સુધી રહેવા ઈચ્છે તો તેમના બીજી વખતના વિઝામાં ઊંડી તપાસ કરાશે. ઓસ્ટ્રેલિયાના ગૃહમંત્રી ક્લેયર ઓ’નીલે પ્રેસ કોન્સરન્સમાં જણાવ્યું કે, દેશના ભવિષ્ય માટે તેમજ દેશમાં વધતી જતી પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો કરવાની અમારી રણનીતિ છે.

ભારતીય વિદ્યાર્થીઓ પણ અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયા જતા હોય છે. ગ્લોબલ ડેટા અને બિઝનેસ ઈન્ટેલિજન્સ પ્લેટફોર્મ Statistaના અહેવાલો મુજબ જુલાઈ-૨૦૨૩ સુધીમાં ઓસ્ટ્રેલિયામાં ૧,૧૮,૮૬૯ ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના ગૃહમંત્રાલયની વેબસાઈટ મુજબ જૂન-૨૦૨૧ સુધીમાં ૭,૧૦,૩૮૦ ભારતીય મૂળના લોકો ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયા છે, જ્યારે જૂન-૨૦૧૧ માં આ આંકડો ૩,૩૭,૧૨૦ હતો. બ્રિટન બાદ ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ ભારતીય મૂળના લોકો રહે છે, તો અગાઉ કેનેડા અને બ્રિટને પણ વિઝા નિયમોને કડક બનાવ્યા છે.

કેનેડામાં ભણવા જતાં વિદ્યાર્થીઓએ પહેલી જાન્યુઆરી ૨૦૨૪ થી આજીવિકા ખર્ચની નાણાંકીય જરૂરિયાત પેટે દસ હજાર કેનેડિયન ડોલરને બદલે બમણાં એટલે કે ૨૦,૬૩૫ ડોલર બતાવવા પડશે તેમ ઇમિગ્રેશન પ્રધાન માર્ક મિલરે જાહેર કર્યું હતું. કેનેડાની સરકારના આ પગલાંથી ભારતમાંથી કેનેડા ભણવા જતાં વિદ્યાર્થીઓએ  વધારે નાણાંની જોગવાઇ કરવી પડશે. કેનેડામાં ૨૦૨૨ માં સૌથી વધારે ૩,૧૯,000 ભારતીય સ્ટુડન્ટ સ્ટડી પરમીટ હોલ્ડર્સ હતા. હાલ કેનેડા ભણવા જતાં વિદ્યાર્થીએ પ્રવાસ અને શિક્ષણ ખર્ચ ઉપરાંત દસ હજાર કેનેડિયન ડોલર તેમની પાસે હોવાનું દર્શાવવું પડે છે. દસ હજાર ડોલરની જરૂરિયાત છેલ્લા બે  દાયકાથી યથાવત હતી. હવે  સ્ટેટેસ્ટિકસ કેનેડા બેન્ચમાર્ક અનુસાર આજીવિકા ખર્ચ દર વર્ષે વધે તે રીતે આ રકમમાં વધારો ઘટાડો કરવામાં આવશે. મિલરે જણાવ્યું હતું કે આજીવિકા ખર્ચની સામે નાણાંકીય જરૂરિયાત ઘણાં સમયથી વધારવામાં આવી ન હોવાથી કેનેડામાં આવતાં વિદ્યાર્થીઓને તેમની પાસેનું ભંડોળ અપૂરતું જણાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *