પોલીસે લલિત ઝા નામના યુવકની શોધખોશળ કરી રહી છે, જે સંસદભવનની અંદર અને બહાર હંગામો મચાવનારા તમામ આરોપીઓના મોબાઈલ ફોન લઈને ફરાર થયો છે.
૨૨ વર્ષ પહેલા ૧૩ ડિસેમ્બર ૨૦૦૧ ના રોજ ભારતીય સંસદને આતંકવાદીઓએ નિશાન બનાવી હતી. લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના ૫ આતંકવાદીઓએ સંસદ ભવન પર હુમલો કર્યો હતો. ગઈ કાલે જ્યારે આપણા લોકતંત્રના મંદિર પર થયેલા ઘાતકી આતંકવાદી હુમલાની ૨૨ મી વરસી પર શહીદોને યાદ કરી રહ્યો હતો. તેજ દિવસે ફરી એકવાર નવા બનેલા સંસદ ભવનમાં સુરક્ષામાં મોટી ચુક જોવા મળી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ ૬ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે એક આરોપી હજુ પણ ફરાર છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે IPCની કલમ ૪૫૨ અને ૧૨૦-B ઉપરાંત UAPAની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે.
લોકસભા ચેમ્બરની પ્રેક્ષક ગેલેરીમાં બેઠેલા બે વ્યક્તિઓ સાંસદો જ્યાં બેઠા હતા તે મુખ્ય વિસ્તારમાં કૂદી પડ્યા હતા. તેમણે પોતાના જૂતામાંથી કલર સ્પ્રે કાઢીને છાંટવાનું શરૂ કર્યું અને સૂત્રોચ્ચાર કર્યા હતાં.. સાંસદોએ તરત જ બંને યુવકોને કાબૂમાં લીધા અને સુરક્ષાકર્મીઓને સોંપી દીધા હતાં. બંને યુવકોની ઓળખ સાગર શર્મા અને મનોરંજન ડી તરીકે થઈ છે. જ્યારે આ ઘટના લોકસભાની અંદર બની રહી હતી તે જ સમયે એક પુરુષ અને એક મહિલા સંસદ ભવન બહાર ડબ્બાઓમાંથી રંગીન ગેસ છાંટી રહ્યા હતા અને સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. તેમને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. બંનેની ઓળખ અમોલ શિંદે અને નીલમ દેવી તરીકે થઈ છે.