ગડકરીએ કહ્યું કે ૩૦ નવેમ્બર સુધી સ્ક્રેપિંગ પોલિસી હેઠળ માત્ર ૪૪,૮૫૨ વાહનો જ સ્ક્રેપ થયા, જેમાં ૨૮,૦૫૦ સરકારી વાહનો હતા.
ઘણીવાર એવી ચર્ચા ચાલે છે કે દેશમાં ૧૫ વર્ષ જૂના વાહનો પર પ્રતિબંધ મૂકી દેવાયો છે અને હવે લોકો આવા વાહનોનો ઉપયોગ નહીં કરી શકે. પણ શું તમે જાણો છો કે લોકસભામાં જ આ વાતને ફગાવી દેતાં માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી નિતિન ગડકરીએ ચોખવટ કરી દીધી છે. હાં, નિતિન ગડકરીએ કહ્યું છે કે દેશમાં ૧૫ વર્ષ કે તેનાથી જૂના વાહનો પર પ્રતિબંધ નથી.
નિતિન ગડકરીએ ખુલાસો કર્યો હતો કે દિલ્હી-NCRમાં સુપ્રીમકોર્ટે ૧૦ વર્ષ કે તેનાથી વધુ જૂના થઈ ચૂકેલા ડીઝલ વાહનો અને ૧૫ વર્ષ કે તેનાથી જૂના પેટ્રોલ વાહનો પર રોક લગાવી દીધી છે. ગડકરીએ લોકસભામાં એક સવાલના જવાબમાં આ માહિતી આપી હતી.
૨૦૧૫ માં એનજીટીએ ૧૦ વર્ષથી જૂના ડીઝલ વાહનો અને ૧૫ વર્ષથી જૂના પેટ્રોલ વાહનો પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો હતો. ૨૦૧૮ માં સુપ્રીમ કોર્ટે NGTના આ આદેશ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવતાં આ નિર્ણયને યથાવત રાખ્યો હતો. દિલ્હીમાં વધતા જતાં પ્રદૂષણના સ્તરને જોતા સુપ્રીમ કોર્ટે આ વાહનો પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે આવા વાહનોની યાદી વેબસાઈટ પર મુકવા પણ કહ્યું હતું.
જૂના વાહનોનો ઉપયોગ ઘટાડવા માટે સરકાર સ્ક્રેપિંગ પોલિસી લાવી હતી. સ્ક્રેપિંગ પોલિસી હેઠળ સરકાર વાહનોને બદલવા માટે ઈન્સેન્ટિવ આપે છે જેથી લોકો તેમના જૂના વાહનોને સ્ક્રેપ તરીકે વેચવા માટે તૈયાર થાય. જો કે સરકારની આ નીતિ પણ વધારે સફળ ન થઈ. અન્ય એક પ્રશ્નના જવાબમાં નીતિન ગડકરીએ કહ્યું કે ૩૦ નવેમ્બર સુધી સ્ક્રેપિંગ પોલિસી હેઠળ માત્ર ૪૪,૮૫૨ વાહનો જ સ્ક્રેપ થયા છે. આ વાહનોમાંથી ૨૮,૦૫૦ સરકારી વાહનો હતા.