કોરોના સંક્રમણના કારણે કુલ ૫ લોકોના મોત થયા છે, જેમાંથી કેરળમાં ૪ લોકોના મોત થયા છે જ્યારે ઉત્તર પ્રદેશમાં કોવિડના કારણે એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
ભારતમાં કોરોના વાયરસના કેસોમાં ફરી એકવાર વધારો થતાં ચિંતામાં વધારો થયો છે. રવિવારે દેશમાં કોરોનાના ૩૩૫ નવા કેસ નોંધાયા છે. ત્યારબાદ દર્દીઓની સંખ્યા વધીને ૧,૭૦૧ થઈ ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં કોરોના સંક્રમણના કારણે કુલ ૫ લોકોના મોત થયા છે. જેમાંથી કેરળમાં ૪ લોકોના મોત થયા છે જ્યારે ઉત્તર પ્રદેશમાં કોવિડના કારણે એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. પાપ્ત માહિતી અનુસાર આ રોગમાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને ૪,૪૪,૬૯,૭૭૯ થઈ છે અને રિકવરી રેટ ૯૮.૮૧ % છે. સંક્રમણના કારણે જીવ ગુમાવવાનો દર ૧.૧૯ % છે. મંત્રાલયની માહિતી અનુસાર હાલમાં દેશમાં કોવિડ-૧૯ વિરોધી રસીકરણ અભિયાન હેઠળ ૨૨૦.૬૭ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના એક અધિકારીએ જણાવ્યું કે, કેરળમાં કોરોના સબ-વેરિઅન્ટ JN.1નો કેસ નોંધાયો હતો. આ વાયરસ ૭૯ વર્ષની મહિલામાં જોવા મળ્યો હતો. ICMRના ડાયરેક્ટર જનરલ ડૉ. રાજીવ બહલે કહ્યું કે આ કેસ ૮ ડિસેમ્બરે તિરુવનંતપુરમ જિલ્લાના કારાકુલમમાં જોવા મળ્યો હતો. મહિલાને ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારીના હળવા લક્ષણો હતા.
કેરળના આરોગ્યમંત્રી વીણા જ્યોર્જે જણાવ્યું :-
રાજ્યમાં જોવા મળતું કોવિડ-૧૯ સબ-વેરિઅન્ટ JN.1 ચિંતાનું કારણ નથી. નવા વેરિઅન્ટ વિશે મીડિયા સાથે વાત કરતાં જ્યોર્જે કહ્યું કે સબ-વેરિઅન્ટ મહિનાઓ પહેલાં સિંગાપોર એરપોર્ટ પર તપાસવામાં આવેલા ભારતીય પ્રવાસીઓમાં જોવા મળ્યું હતું.
કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આ એક સબ વેરિઅન્ટ છે. મહિનાઓ પહેલા આ પ્રકાર કેટલાક ભારતીયોમાં જોવા મળ્યો હતો જેમની સિંગાપોર એરપોર્ટ પર તપાસ કરવામાં આવી હતી. સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. મંત્રીએ લોકોને સતર્ક રહેવા વિનંતી કરી અને કહ્યું કે જે લોકોને અન્ય ગંભીર બીમારીઓ છે. તેમણે કહ્યું કે, નવો પ્રકાર દેશના અન્ય ભાગોમાં પણ છે અને કેરળની મજબૂત આરોગ્ય પ્રણાલીને કારણે ચિંતા કરવાની જરૂર નથી.