અત્યંત શરમજનક, ભગવાન આ લોકોને સદબુદ્ધિ આપેઃ ધનખડ
સંસદના શિયાળુ સત્રના આજે છેલ્લા દિવસે રાજ્યસભામાં સસ્પેન્ડ થયેલા વિપક્ષી સાંસદો સંસદ પરિસરમાં વિરોધ કરી રહ્યા હતા. એ વખતે તૃણમૂલ કોંગ્રેસ ના સાંસદ કલ્યાણ બેનરજી એ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની મિમિક્રી કરી હતી. આ દરમિયાન અનેક વિપક્ષી સાંસદો તેમને જોઈને હસી રહ્યા હતા. ત્યાં રાહુલ ગાંધી પણ હાજર હતા. તેઓ પણ હસતા હસતા તાળીઓ પાડતા દેખાયા હતા. એટલું જ નહીં, તેમણે કલ્યાણ બેનરજીનો મિમિક્રી કરતો વીડિયો પણ શૂટ કર્યો હતો. આ જોઈને ધનખડ ખૂબ ગુસ્સે ભરાયા હતા.
આજે સસ્પેન્ડ કરાયેલા વિપક્ષી સાંસદોએ સંસદ પરિસરમાં હંગામો કરીને દેખાવો કર્યા હતા. સૂત્રોચ્ચાર કર્યા બાદ તેઓ ગાંધીજીની પ્રતિમાની સામે બેસી ગયા હતા. બાદમાં સંસદ પ્રવેશદ્વારના પગથિયા પર બેસીને તેઓ ચર્ચા કરતા હતા ત્યારે તૃણમૂલ સાંસદ કલ્યાણ બેનરજીએ ધનખડની નકલ કરીને ટીખળ કરવાનું શરૂ કર્યું હતું. જોતજોતામાં આ વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાઈરલ થઈ ગયો હતો. આ અહેવાલો પછી ધનખડ ગુસ્સે થયા હતા. આ ઘટનાને તેમણે શરમજનક ગણાવીને કહ્યું હતું કે આ અસ્વીકાર્ય છે. આ અત્યંત અધમ કૃત્ય છે. મેં એ વીડિયો જોયો છે, જેમાં એક સાંસદ ઠેકડી ઉડાવે છે અને બીજો સાંસદ તેનો વીડિયો બનાવે છે. ભગવાન આ લોકોને સદબુદ્ધિ આપે.