જીતન રામ માંઝી: ‘ગિફ્ટ સિટીની જેમ બિહારમાં દારૂ પીવાની છૂટ આપો’

જીતન રામ માંઝી: મુખ્યમંત્રી નીતિશ કુમારે બિહારમાં ગુજરાતના દારૂબંધીનું નવુ મૉડલ લાગુ કરવું જોઇએ, લિમિટેડ માત્રામાં દારૂનું સેવન ગરીબો અને મજૂરો સહિત અન્ય લોકો માટે ફાયદાકારક.

બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝીએ ગુજરાતની જેમ બિહારમાં પણ દારૂ પીવાની છૂટ આપવાની માંગ કરી છે. માંઝીએ કહ્યું કે જેમ ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દારૂબંધી કાયદામાં છૂટ આપવાની જાહેરાત કરવામાં આવી છે, તેવી રીતે બિહારમાં પણ દારૂના નિયમોમાં છૂટ આપવાની જરૂર છે. માંઝીએ કહ્યુ કે મુખ્યમંત્રી નીતિશ કુમારે બિહારમાં ગુજરાતના દારૂબંધીનું નવુ મૉડલ લાગુ કરવું જોઇએ, કારણ કે તેનાથી વેપાર અને વિદેશી મુદ્રામાં વધારો થશે.

લિમિટેડ માત્રામાં દારૂનું સેવન ફાયદાકારક

બિહારના પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું, “બિહારને સતત રાજસ્વનું નુકસાન થઇ રહ્યું છે. દારૂબંધી (૨૦૧૬ માં)ને કારણે રાજ્યમાં પ્રવાસનને નુકસાન થયું છે. મે વારંવાર કહ્યું છે કે લિમિટેડ માત્રામાં દારૂનું સેવન ગરીબો અને મજૂરો સહિત અન્ય લોકો માટે ફાયદાકારક છે.” માંઝીએ કહ્યું, હું આ રીતના નિર્ણય લેવા માટે ગુજરાત સરકારનો આભાર માનું છું. જો બિહારમાં પણ આમ કરવામાં આવે તો વિદેશી મુદ્રામાં ૧૦ ગણો વધારો થશે.

જીતન રામ માંઝીએ નીતિશ કુમાર પર પ્રહાર કરતા કહ્યું, “૨૦૦૫ થી ૨૦૧૦ સુધી નીતિશ કુમારે દરેક ઘરમાં દારૂ આપ્યુ હતુ અને આજે તે કહી રહ્યાં છે કે દારૂ પીવાની વિરૂદ્ધ છે.” મહત્ત્વપૂર્ણ છે કે ૨૦૧૬ માં બિહાર સરકારે રાજ્યભરમાં દારૂના વેચાણ, ખરીદી અને ભંડાર પર પૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો હતો. જો કોઇ પણ ગેરકાયદેસર રીતે કાયદાનું ઉલ્લંઘન કરતો જોવા મળે તો ભારે દંડ અને કડક સજાની જોગવાઇ છે. ગુજરાત સરકારે શુક્રવારે ગિફ્ટ સિટીમાં વાઇન એન્ડ ડાઇન સેવા આપનારી હોટલો, રેસ્ટોરન્ટ અને ક્લબોમાં દારૂનું સેવન કરવાની પરવાનગી આપી છે. આ ગુજરાતમાં દારૂની છૂટ આપવાની પ્રથમ ઘટના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *