દેશમાં એક્ટિવ કેસ મામલે ગુજરાત પાંચમાં નંબરે

અમદાવાદમાં કુલ એક્ટિવ કેસ ૩૫ પર પહોંચ્યા છે, સોલા સિવિલમાં કોરોના માટે સ્પેશિયલ વોર્ડ શરૂ.

ભારતમાં આજે કોરોનાના ૬૨૮ નવા કેસ નોંધાયા છે. દેશમાં એક્ટિવ કેસ વધીને ૪,૦૫૪ થઈ ગયા છે. આ વચ્ચે ગુજરાતમાં પણ કોરોના ધીરે ધીરે મોટું સ્વરૂપ લઈ રહ્યો છે. હાલ ગુજરાતમાં ૫૪ એક્ટિવ કેસ છે. જે દેશમાં પાંચમાં ક્રમે છે.

અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો

અમદાવાદમાં કોરોનાના વધુ ૫ કેસ નોંધાયા છે, જેમાં ૨ મહિલાઓ અને ૩ પુરુષો કોરોના સંક્રમિત થયા છે. આ તમામ અમદાવાદ શહેરના ખાડિયા, બોડકદેવ, નવરંગપુરા અને દરિયાપુરના રહેવાસી છે. જેમાંથી બે દર્દી ટ્રાવેલિંગ હિસ્ટ્રી ધરાવે છે. જેઓ બેંગલુરુથી આવ્યા હતા.આ નવા કોરોનાના કેસ સાથે અમદાવાદમાં કુલ એક્ટિવ કેસ ૩૫ પર પહોંચ્યા છે. જોકે, ત્રણ લોકો સાજા થતા તેમને ડિસ્ચાર્જ કરાયા છે.

દેશમાં ગુજરાત પાંચમા ક્રમે

દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. જેમાં સૌથી વધુ કેરળમાં ૧૨૮ એક્ટિવ કેસ છે. ત્યારબાદ કર્ણાટકમાં ૨૭૧, તમિલનાડુમાં ૧૨૩, મહારાષ્ટ્રમાં ૧૦૩, ઓડિસામાં ૫૫ અને ગુજરાતમાં ૫૪ એક્ટિવ કેસ હોવાની માહિતી મળી રહી છે. હાલ દર્દીઓનું કોરોના ટેસ્ટિંગ, હોસ્પિટલમાં બેડ-ઓક્સિજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તંત્ર અલર્ટ મોડ પર છે.

કાલથી શરૂ થશે ટેસ્ટિંગ પ્રક્રિયા

ગુજરાત રાજ્યમાં કોરોના ટેસ્ટિંગ પ્રક્રિયા શરૂ કરવાની તૈયારી કરાઈ રહી છે. ક્રિસમસની રજાને લઈને આવતીકાલથી કામગીરી શરૂ કરાશે. હાલ અસારવા સિવિલ હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ અને SVP હોસ્પિટલમાં દર્દી આવે ત્યારે ટેસ્ટિંગ કરવામાં આવે છે. સોલા સિવિલમાં કોરોના માટે સ્પેશિયલ વોર્ડ શરૂ કરાયો છે. ૨૫ બેડનો કોરોના માટે સ્પેશિયલ વોર્ડ તૈયાર કરાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *