અદાણી-હિન્ડનબર્ગ કેસમાં સુપ્રીમકોર્ટનો મોટો ચુકાદો

સુપ્રીમકોર્ટે કહ્યું કે SEBIએ ૨૨ આરોપોની તપાસ કરી હતી, બાકી ૨ કેસની તપાસ માટે અમે ૩ મહિનાનો સમય આપ્યો.

અદાણી-હિન્ડનબર્ગ કેસમાં સુપ્રીમકોર્ટે ચુકાદો આપી દીધો છે. SEBIની તપાસને યોગ્ય ગણાવતાં દખલનો ઈનકાર કરી દીધો હતો. ૩ જજોની બેન્ચે આ મામલે ચુકાદો આપ્યો હતો. સુપ્રીમકોર્ટે કહ્યું કે SEBIએ ૨૨ આરોપોની તપાસ કરી હતી. બાકી ૨ કેસની તપાસ માટે અમે ૩ મહિનાનો સમય આપીએ છીએ. આ સાથે સુપ્રીમકોર્ટે આ મામલે તપાસને SEBIથી છીનવી લઈને SITને સોંપવાનો પણ ઈનકાર કરી દેતાં કહ્યું કે તેનો કોઈ આધાર જ નથી.

SEBI અને સરકારને સુપ્રીમકોર્ટની સલાહ
આ સાથે સરકાર અને સેબીને સુપ્રીમકોર્ટે સલાહ આપી હતી કે તેઓ નિષ્ણાત કમિટી દ્વારા આપવામાં આવેલા સૂચનો પર ધ્યાન આપે. તપાસને ટ્રાન્સફર કરવાની જરૂર નથી. તપાસ સેબી જ કરશે. સેબીની તપાસ પર અમને શંકા નથી. સ્ટોક માર્કેટમાં નિયમો નક્કી કરવાનું કામ સેબીનું છે.
CJIના નેતૃત્વમાં સુનાવણી 

હિન્ડેનબર્ગના આરોપો બાદ અદાણી સામેના ફ્રોડના કેસમાં ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (સીજેઆઈ) ડી.વાય.ચંદ્રચૂડ, જસ્ટિસ જે.બી.પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે આ મામલે સુનાવણી હાથ ધરી હતી. ગત વર્ષે નવેમ્બરમાં બેન્ચે આ મામલે ચુકાદો અનામત રાખ્યો હતો. અદાણી ગ્રૂપ પર આરોપ લાગ્યો હતો કે તે અદાણી ગ્રૂપે તેના શેરની કિંમતોમાં ગરબડ કરી હતી અને હિન્ડનબર્ગ રિસર્ચ ફર્મના ખુલાસા બાદ તેની શેરની કિંમતો આશરે ૮૦ % સુધી ગગડી ગઇ હતી. અદાણીએ આ તમામ આરોપો ફગાવી દીધા હતા.

અદાણી ગ્રૂપના શેરોની કિંમત રોકેટ 

સુપ્રીમકોર્ટ ચુકાદો આપે તે પહેલાં શેરબજારમાં અદાણી ગ્રૂપના શેરોની કિંમતમાં મોટો વધારો જોવા મળ્યો હતો. મોટાભાગના શેરોની કિંમતમાં ૫ % નો જમ્પ જોવા મળ્યો હતો. અદાણી એન્ટરપ્રાઈઝ અને અદાણી પોર્ટની કિંમતમાં પણ મોટો વધારો દેખાયો હતો.

છેલ્લી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

આ કેસમાં કોર્ટે  ૨૪ નવેમ્બરે પોતાનો ચુકાદો અનામત રાખતા કહ્યું હતું કે તેની પાસે સ્ટોક માર્કેટ રેગ્યુલેટર સેબી (SEBI)ને બદનામ કરવાનું કોઈ કારણ નથી, જેણે અદાણી જૂથ સામેના આરોપોની તપાસ કરી હતી. આ ઉપરાંત કોર્ટે કહ્યું હતું કે માર્કેટ રેગ્યુલેટર સેબીએ શું કર્યું છે તે અંગે શંકા કરવા માટે તેની સમક્ષ કોઈ સામગ્રી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *